(એજન્સી) હરિયાણા, તા.૨૮
સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ દ્વારા રામ રહીમને યૌન શોષણ મામલે દોષી ઠેરવવામાં આવ્યા બાદ હરિયાણા અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ડેરા સમર્થકોએ ઉત્પાત મચાવ્યો હતો. આ ઉત્પાતોથી ડરીને જ્યાં હરિયાણા પોલીસ જવાનોના ભાગવાના સમાચાર આવી રહ્યા હતા ત્યાં એક મહિલા અધિકારી આ ઉપદ્રવીઓ સામે અડગ થઇને લડતી રહી. પંચકૂલાની ડેપ્યુટી કમિશનર ગૌરી પરાશર જોશીએ પોતાના જોશ અને બહાદૂરીથી બળાત્કારી રહીમના સમર્થકોને ફક્ત પાછળ જ નથી ધકેલ્યા પરંતુ કપડા ફાટી ગયા હોવા છતાં તે પોતાની ફરજ નિભાવતી રહી. ડેરા સમર્થકોનો ગુસ્સો જોઇને બહાદૂરીનો દંભ ભરતા હરિયાણા પોલીસના જવાનો ગૌરી પરાશરને મુશ્કેલ પરિસ્થિતીમાં છોડીને ભાગી ગયા. સમર્થકોએ પથ્થર અને લાઠીઓ વડે હુમલો કરવાનું શરૂ કર્યું. તેવામાં ૧૧ વર્ષના બાળકની માતા ગૌરીએ સમર્થકોની સામે એકલા હાથે લડવુ પડ્યું હતું. જેના કારણે તેમને ઘણી ઇજાઓ થઇ હતી. તેટલું જ નહીં તેમના કપડા પણ ફાટી ગયા હતા. ફક્ત પીસીઓ સાથે એકલા હાથે તેમનો સામનો કર્યો. તે જ સ્થિતીમાં તે ઓફિસ પહોંચી એને સેનાને એક આદેશની કોેપી આપી. આ આદેશની મદદથી સેનાએ પંચકૂલામાં પરિસ્થિતી વણસતી રોકી. ઘાયલ થવા છતાં ગૌરીએ મોર્ચો ન છોડ્યો. ઘરે પરત ફરતાં પહેલા તેમણે પરિસ્થિતી નિયંત્રણમાં લાવી દીધી હતી. તેમણે અગાઉ પણ આનાથી પણ ગંભીર અને નાજુક પરિસ્થિતીનો સામનો કર્યો છે. આ અગાઉ તેઓ ઓરિસ્સાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પણ સેવા આપી ચૂક્યા છે.