આતંકી હુમલામાં શહીદ જવાન દિનેશ બોરસેની સન્માન સાથે અંતિમ વિદાય

અમદાવાદ,તા.ર૭
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં ૮ જવાન શહીદ થયા હતા. જેમાં અમદાવાદના શહીદ જવાનનો મૃતદેહ આજે તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારે શહીદને અંતિમ વિદાય આપવા હજારો લોકો ઊમટી પડયા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શનિવારે પોલીસ લાઈન ઉપર થયેલા આતંકી હુમલામાં આઠ જવાનો શહીદ થયા હતા. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અમરદીપ પાર્કમાં રહેતા જવાન દિનેશ દીપકભાઈ બોરસે શહીદ થયા હતા. શહીદ જવાન દિનેશ બોરસે મૃતદેહ રવિવારે બપોરે બીએસએફના ખાસ વિમાન દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે જવાનના પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યાર બાદ દિનેશ બોરસેના મૃતદેહને તેમના નિવાસસ્થાને નરોડા લાવવામાં આવ્યો હતો. જયાં પરિવારજનો સહિત હજારો લોકો સ્વયંભૂ હાજર રહી દિનેશને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. જવાન દિનેશ બોરસેની શહીદીને સલામી આપવા અને તેને અંતિમ વિદાય આપવા હજારો લોકો ઊમટી પડયા હતા. ત્યારે લગભગ ચાર કિલોમીટર સુધી લોકોની ભીડ જોવા મળી હતી. જયારે સ્થાનિક લોકોએ શહીદના માનમાં સમગ્ર વિસ્તારમાં સ્વયંભૂ બંધ પાળ્યો હતો. તેમજ પાકિસ્તાન વિરોધી નારા લગાવી લોકોએ શહીદને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
અત્રે નોંધનીય છે કે દિનેશ બોરસે છેલ્લા ૧ર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા. જયારે દિનેશ ૪ વર્ષની પુત્રી અને ૩ મહિનાના પુત્રનો પિતા હતો.
શહીદ જવાન દિનેશ બોરસેએ બે દિવસ પહેલાં જ જેના એક ખાસ મિત્ર જોડે ફોન ઉપર વાતચીત કરી હતી. જેમાં દિનેશે જણાવ્યું હતું કે કાશ્મીરનો માહોલ બહુ ખરાબ છે. ગણપતિમાં આવવાનો છું અને રજા નહીં મળે તો નવરાત્રીમાં ચોકકસ આવીશ, અને સાથે મળીને નવરાત્રી ઉજવીશું પરંતુ જો મને કોઈ આતંકી દેખાશે તો પહેલાં હું એને મારીશ. નહીંતર તિરંગામાં લપેડાઈને જ ઘરે આવીશ. જો કે દિનેશના પિતા દીપકભાઈ બોરસે પણ હાલ એસઆરપી કેમ્પ અમદાવાદમાં ફરજ બજાવે છે. જયારે ૧ર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતો દિનેશ બોરસે પરિવારમાં એકનો એક પુત્ર હતો અને તેની બે બહેનો છે.

શહીદ દિનેશના પરિવારને રૂા.૪
લાખની સહાયની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના નરોડા અમદાવાદના વીર શહીદ દિનેશ દીપકભાઈ બોરસેને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ આ વીર શહીદના વારસદારને રૂા.૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. શહીદ સ્વ. દિનેશ દીપક બોરસેના પાર્થિવ દેહને એરપોર્ટ પર આવકારવા માટે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડો.નિર્મલાબેન વાઘવાણી, કલેક્ટર અવંતિકાસિંઘ, પોલીસ કમિશનર એ.કે. સિંઘ તથા લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહીદના પરિવાર માટે ગૃહવિભાગ દ્વારા વધારાની રૂા.૧ લાખની એસ ગ્રેશિયા સહાયની જાહેરાત ગૃહ રાજ્યમંત્રીએ કરી હતી. આ ઉપરાંત શહીદની પત્નીને આજીવન રૂા.૧ હજારની સહાય, શહીદના બે બાળકોને રપ વર્ષના થાય ત્યાં સુધી રૂા.પ૦૦-પ૦૦ની બાળક દીઠ સહાય અને શહીદના માતા-પિતાને રૂા.પ૦૦-પ૦૦ની આજીવન સહાયની જાહેરાત ગૃહમંત્રીએ કરી હતી.
ભાજપના નેતાઓ શહીદોનું અપમાન
થાય તેવા નિવેદનો કરે તે અયોગ્ય

સીઆરપીએફના જાંબાઝ જવાન દિનેશ બોરસેના પાર્થિવ દેહને સલામી આપ્યા બાદ અમદાવાદ ખાતે સ્મશાન યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, મ્યુ.કોપો. નેતા દિનેશ શર્મા સહિત સ્થાનિક કાર્યકરો-આગેવાનો જોડાયા હતા.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આતંકવાદ, વિદેશનીતિ અને જવાનોની શહાદત પર રાજનીતિ કરવામાં આવતી નથી. દેશ માટે બલિદાન આપનાર જવાનોની શહાદતને સન્માન આપવાને બદલે ભાજપના નેતાઓ અનાપશનાબ નિવદનો કરે અને શહીદી પર રાજનીતિ કરે તે કેટલાં અંશે વ્યાજબી ? દેશની સલામતી અને આતંકવાદ સામેની લડતમાં શહાદત આપનાર જવાનોના પરિવારજનોને આશ્વાસન આપવું અને તેમના દુઃખમાં ભાગીદાર થવાને બદલે ભાજપના કેન્દ્રીય મંત્રી શહીદોનું અને શહાદતનું અપમાન થાય તેવા નિવેદનો કરે છે. શહાદતને પૈસાના મૂલે મૂલવી ન શકાય અને નાણાંકીય વળતર પણ દર્શાવી ન શકાય પણ શહીદ જવાનના પરિવારને મદદરૂપે દિલ્હી જેવું નાનું રાજ્ય તેમના જવાન શહીદ થાય તો એક કરોડની સહાય તેમના પરિવારજનને આપે જ્યારે ગુજરાત જેવું રાજ્ય તેમના શહીદ જવાનના પરિવારને રૂા.ચાર લાખની સહાય કરે આ શું વ્યાજબી છે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks