કારના કાચ તોડી બેગની ઉઠાંતરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

સુરત, તા. ૧૬
કારના કાચ તોડી બેગની ઉઠાંતરી કરનાર આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જેથી ૧૮ જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આતંરરાજ્ય ગેંગ પાસેથી વિદેશી ચલણ પણ મળી આવ્યું છે. અને પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
છેલ્લા ઘણા મહિનાઓથી સુરત પોશ વિસ્તારમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી અને મેલુ નાખી અને રૂપિયા પડી ગયા હોવાનું કહીં નજર ચૂકવી બેગ અને કિંમતી વસ્તુઓની ઉઠાંતરી થવાના બનાવ બનતા હતા. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલું કરવામાં આવી હતી. દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ જુદી-જુદી ટીમો બનાવી પેટ્રોલીંગ કરવામાં આવી રહી હતી.
પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીંગરોડ ખાતે સીટી બસ સ્ટેન્ડ નજીકથી ગેંગના તમિલનાડુના રહેવાસી ચાર સભ્યો મધુસુદન સત્યમુર્તી સેરવે, બિસ્મર મુર્તી સેરવે, હરીહરણ ગાંધી સેરવે અને સુંદરરાજ લોગનાદન સેરવેને ઝડપી પાડ્‌યા હતા. ગેંગના સભ્યો પાસેથી ૨૦૦ યુએસ ડોલર અને વેનેઝુએલાની ૧૦૦૦ બોલીવેર મળી આવી હતી. પોલીસ ગેંગના સભ્યો પાસેથી કુલ ૩૮,૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ગેંગના આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સમગ્ર ભારતમાં સક્રિય છે. અને ગેંગનો લીડર લક્ષ્મણનંદકુમાર સેરવે અને મનોજ કન્નન સેરવે હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ગેંગના સભ્યો ૧૫ દિવસ પહેલાં જ સુરત આવ્યા છે. પૂછપરછમાં ગેંગના સભ્યોએ ૧૮ જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts