
(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૭
સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીએ ગતરોજ પોલીસ કમિશનર કચેરી પહોંચી તેણી ઉપર બળાત્કાર થયો હોવાનું પો.કમિ.ને જણાવ્યું હતું. આ બનાવમાં રિક્ષા ચાલકના પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં રહેતા કિશોરીને સ્કૂલેથી ઘરે લાવવા તથા લઇ જવા માટે તેના પરિવારે એક રિક્ષા ભાડે કરી આપી હતી. જેથી કિશોરી રિક્ષામાં જ આવન જાવન કરતી હતી. જો કે, આ દરમિયાન રિક્ષા ચાલકે તેની પર નજર બગાડી હતી. કિશોરીએ આક્ષેપ કર્યો હતો કે, રિક્ષા ચાલકે તેની પર આલગ અલગ સમયે બેથી ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી પરિવાર સાથે છેલ્લા ત્રણ દિવસથી મહિધરપુરા પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ લખાવવા જતી હતી. પરંતુ પોલીસ તેની ફરિયાદ લેતી નથી અને રોજ ધક્કા ખવરાવે છે. જેથી કિશોરી ગતરોજ તેના પરિવાર સાથે પોલીસ કમિશનરને મળવા માટે કચેરી પહોંચી ગઇ હતી. આ બનાવમાં રિક્ષા ચાલકનું સમગ્ર પરિવાર હિતેશ, પત્ની બીનાબેન, માતા મંજુબેને આજે સામૂહિક આપઘાત કરતાં તેઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે.