(એજન્સી) શ્રીનગર,તા. ૨૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સુપ્રીમકોર્ટમાં અનુચ્છેદ ૩૫એનો બચાવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું જોઇએ અને કેન્દ્રને અરજ કરવી જોઇએ. અનુચ્છેદ ૩૫એ જમ્મુ અને કાશ્મીરના લોકોને ખાસ અને વિશેષ અધિકારો આપે છે. આ અનુચ્છેદને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એક નિવદેનસમાં સોઝે જણાવ્યું કે રાજ્યના મુખ્યપ્રવાહના પક્ષોના પ્રતિનિધિમંડળે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરીને ભારત સરકારને સુપ્રીમકોર્ટમાં એક વલણ અપનાવવાની દરખાસ્ત કરવી જોઇએ.ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે કેન્દ્ર સરકારનું દૂર બેસીને પરિસ્થિતિ નિહાળવાનું હાસ્યાસ્પદ છે અને જમ્મુ-કાશ્મીરના લોકોના હિતની વિરૂદ્ધમાં અનુચ્છેદ ૩૫એ સુધારવાના કોઇ પણ પ્રયાસથી હોબાળો થઇ શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૩૫એના બચાવ પર કાશ્મીરના લોકોએ અભૂતપૂર્વ એકતા બતાવી છે.