National

સટ્ટાબાજી મામલામાં અરબાઝખાન તાજનો સાક્ષી બનશે સોનુ જાલાને IPL ૨૦૧૮માં ૫૦૦ કરોડ કમાવ્યા

(એજન્સી) મુંબઇ, તા. ૨
આઇપીેએલ સટ્ટાબાજીના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને થાણે પોલીસ સમક્ષ આઇપીએલમાં સટ્ટાબાજીનો ગુનો કબૂલ કરી લીધો છે. અરબાઝખાને એવી પણ કબૂલાત કરી છે કે તેને સટ્ટાબાજીમાં કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગયા વર્ષે તેને ૨.૭૫ કરોડનું નુકસાન થયું હતું, તે છેલ્લા ૬ વર્ષથી સટ્ટામાં છે. સૂત્રોેને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અરબાઝખાને આ મામલામાં તાજનો સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો અરબાઝખાન તાજનો સાક્ષી બને છે તો તેની સાથે કૂણું વલણ અપનાવવામાં આવશે. જો થાણે પોલીસ મુખ્ય આરોપી સોનું જાલાન સામે મકોકા લગાવે છે તો તેની સાથે જોડાયેલા બધા લોકો સામે મકોકા લગાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આઇપીએલ ૨૦૧૮ની સંપૂર્ણ સીઝનમાં બુકી સોનું જાલાને ૫૦૦ કરોડ રૂપિયા કમાવ્યા છે અને ફાઇનલ મેચમાં તેણે ૧૦ કરોડ રૂપિયા કમાવ્યા છે. સટ્ટાબાજીમાં એક પોલીસ ઇન્સપેક્ટરનું પણ નામ બહાર આવ્યું છે. થાણે પોલીસે અરબાઝખાનની કલાકો સુધી પૂછપરછ કરી છે. તપાસમાં સામેલ થાણે એન્ટી એક્સટ્રોર્સન સેલના પોલીસ અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કહ્યું છે કે અરબાઝ ખાને બુકી સોનુ જાલાન મારફતે આઈપીએલમાં સટ્ટા રમવાની વાતને કબુલી લીધી છે. ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં અરબાઝખાને કહ્યું છે કે તે કુખ્યાત સટોડિયા સોનુ જાલાન મારફતે સટ્ટો લગાવતો હતો.
અરબાઝ ખાન સવારે થાણે ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં હાજર થઈ ગયો હતો. કુખ્યાત જાલાનની સામે બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. અરબાઝ ખાન આજે પોતાના સુપરસ્ટાર ભાઈ સલમાનખાનના બોડીગાર્ડ શેરા સાથે સવારે ૧૧ વાગે પહોંચ્યો હતો. તાજેતરમાં જ પૂર્ણ થયેલી આઈપીએલ સિઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ કરાયા પછી થાણે પોલીસે શુક્રવારના દિવસે અરબાઝખાન સામે સમન્સ જારી કર્યું હતું. પોલીસ હવે અરબાઝખાનનું નિવેદન નોંધીને સટ્ટાબાજી રેકેટ સાથે જોડાયેલા લીંક અંગે માહિતી મેળવશે. ઉપસ્થિત થતા પહેલા અરબાઝખાને આજે પોતાના મોટાભાઈ સલમાનખાનને મળીને તેની સાથે વાત કરી હતી. એમ માનવામાં આવે છે કે સલમાનખાનની લીગલ ટીમ આ કેસમાં અરબાઝ ખાનને મદદ કરી રહી હતી. જોકે આ મામલામાં અરબાઝ ખાન ઉપર કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. તે આરોપી પણ નથી. અંડરર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ડી કંપની સાથે પણ સટ્ટાબાજી રેકેટના લીંક મળી રહ્યા છે. અરબાઝ ખાનના કેટલાક ફોટા પણ હાથ લાગ્યા છે જેમાં તે સટોડિયા સોનુ સાથે નજરે પડી રહ્યો છે. પોલીસને ઈન્ટરનેશનલ બુકી સોનુ સાથે અરબાઝ ખાનનો ફોટો હાથ લાગ્યો હતો. સોનુ જાલાન આંતરરાષ્ટ્રીય સ્તર પર સટ્ટા રેકેટ ચલાવે છે. તેની ગતિવિધિ સમગ્ર ભારતીય ઉપખંડમાં ફેલાયેલી છે. પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદિપ શર્માનું કહેવું છે કે સોનુ જાલાનનું વાર્ષિક ટર્નઓવર ૧૦૦ કરોડની આસપાસ છે. તપાસ ટીમે ૧૫મી મેના દિવસે આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે વખતે ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સોનુને દેશના મુખ્ય સટોડિયા પૈકી એક ગણવામાં આવે છે. તપાસ દરમ્યાન સોનુ અને અરબાઝ વચ્ચે સાંઠગાંઠના અહેવાલ આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી આ બંને એકબીજાને ઓળખતા હોવાની વિગત મળી છે.

બુકી સોનુની ડાયરીમાં ઘણાના નામ હોવાનો કરાયેલો ખુલાસો

મુંબઈ,તા. ૨
આઈપીએલ સટ્ટાબાજીની સંદર્ભમાં આજે બોલિવુડ સ્ટાર અરબાઝ ખાનની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. બીજી બાજુ બુકી સોનુ જાલાનની ડાયરીમાં અનેક મોટા નંબર હોવાનો ધડાકો પોલીસે કરતા ખળભળાટ મચી ગયો છે. આઈપીએલમાં સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ થયા બાદથી અન્યોના નામ ખુલી શકે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં તમામ પ્રયાસો છતાં ખાને કોલ અને મેસેજના કોઈ જવાબ આપ્યા ન હતા. બીજી બાજુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જાલાન દ્વારા ચલાવવામાં આવી રહેલા આ સટ્ટાબાજી રેકેટમાં ૧૦૦૦ કરોડનો કારોબાર થયો છે. તેના નેટવર્કમાં ૩૫૦૦ પંટર હોવાનું જાણવા મળ્યું છે. ઝડપથી તપાસ ચાલી રહી છે. સટ્ટાબાજી રેકેટ મામલામાં ઈન્સ્પેક્ટર પ્રદિપ શર્મા પૂછપરછ કરી રહ્યા છે. હાલમાં વધુ વિગત આપી શકાય નહીં પરંતુ અનેકના નામ ખુલી શકે છે. ૨૦૧૬માં જાલાન એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ દરમિયાન શ્રીલંકા ગયો હતો.

સટ્ટા રેકેટનો ઘટનાક્રમ……

મુંબઈ, તા.૨
બોલિવુડના અભિનેતા અને નિર્માતા નિર્દેશક અરબાઝ ખાને હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચોમાં સટ્ટાબાજીમાં સંડોવણી હોવાની વાત કબુલી લીધી છે. અરબાઝ ખાનની આજે કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આઈપીએલ-૧૧માં મોટાપાયે સટ્ટાબાજીનો ખુલાસો થયા બાદ આગામી દિવસોમાં નવી ચોંકાવનારી વિગતો ખુલી શકે છે. આઈપીએલ-૧૧ સટ્ટા રેકેટનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
૧૬મી મે ૨૦૧૮ના દિવસે થાણે ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સોરશન સેલના અધિકારીઓએ ડોંગીવલી ઈમારતમાં દરોડો પાડ્યો હતો. આ બિલ્ડીંગમાં ઓનલાઈન આઈપીએલ બેટીંગ રેકેટ ચાલી રહ્યું હતું. આ બિલ્ડીંગને મુખ્ય સેન્ટર તરીકે ગણવામાં આવે છે. અહીં દરોડા પડાયા બાદ ત્રણની ધરપકડ કરાઈ હતી. અહીં મુંબઈ ઈન્ડિયન અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ દરમિયાન સટ્ટા સ્વીકાર કરતા એક વ્યક્તિને રંગેહાથ પકડી લેવાયો હતો.
૧૭ મે ૨૦૧૮ ના દિવસે અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
૨૮મી ૨૦૧૮ના દિવસે સોફ્ટવેર પાવરીંગ ઓનલાઈન રેકેટ મામલામાં ઉપલબ્ધ કરાવનાર બ્રજેશ જોશીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
૨૯મી મે ૨૦૧૮ના દિવસે ૪૧ વર્ષીય સોનુ જાલાનને મંગળવારના દિવસે તે વખતે પકડી લેવામાં આવ્યો હતો જ્યારે તે કલ્યાણ સેશન કોર્ટમાં હાજરી માટે પોતાના સાથીને લાવવામાં આવ્યા બાદ તેને આશ્વાસન આપવા માટે પહોંચ્યો હતો.
પહેલી જૂન ૨૦૧૮ના દિવસે સટોડિયા જાલાનનું નામ સપાટી પર આવ્યા બાદ પૂછપરછ માટે અભિનેતા અરબાઝ ખાનને પણ સમન્સ જારી કરાયું હતું.
બીજી જૂન ૨૦૧૮ના દિવસે અરબાઝ ખાન સમન્સ જારી કરાયા બાદ સવારે ૧૧ વાગે થાણે ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં પહોંચ્યો હતો. જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. તેની સટોડિયા સોનુ સાથે સામસામે બેસાડીને પૂછપરછ કરાઈ હતી.

કુખ્યાત બુકી સોનુની દેશમાં અનેક જગ્યા પર પ્રોપર્ટી

મુંબઇ,તા. ૨
અભિનેતા અરબાઝ ખાનની આજે પૂછપરછ કરવામાં આવ્યા બાદ આઈપીએલ સટ્ટાબાજીના મામલામાં બોલિવુડના અન્ય કેટલાક લોકો અને અન્ય જાણીતી હસ્તીઓના નામ સપાટી ઉપર આવે તેવી શક્યતા છે. પોલીસનું કહેવું છે કે ઉંડી તપાસ ચાલી રહી છે. પોલીસે એમ પણ કહ્યું છે કે ૪૧ વર્ષીય સોનુ જાલાનના અરબાઝ ખાન સાથે લાંબા સમયથી સંબંધો છે. બંને એકબીજાના જૂના મિત્રો છે. આ બુકી જ અરબાઝને સટ્ટામાંલઈ ગયો હતો. ત્યારબા અરબાઝે બુકીને ત્રણ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. અરબાઝ અને સોનુ વચ્ચેની મિત્રતા જાણીતી હતી. કારણ કે બંને અનેક જુદા જુદા સામાજિક કાર્યક્રમોમાં પણ એકસાથે નજરે પડ્યા હતા. આ બંને એક સાથે વિદેશ પ્રવાસે પણ ગયા હતા. સટોડિયા સોનુનું વાત કરવામાં આવે તો તે મલાડમાં ત્રણ ફ્લેટ ધરાવે છે. સાથે સાથે સમગ્ર ભારતમાં પોતાની પ્રોપર્ટી ધરાવે છે. તે ખૂબ જ લકઝરી લાઈફ સ્ટાઈલ ધરાવે છે. ખૂબ કિંમતી કાર ધરાવે છે. કુખ્યાત બુકી પૈકીના એક તરીકે તેની ગણતરી થઈ રહી છે. ૨૦૧૩માં આઈપીએલ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો ત્યારે કેસમાં ઝડપી બોલર શ્રીસંત મુખ્ય આરોપી તરીકે ઉભરી આવ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ઉપર આજીવન પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. તેની કેરિયર ખતમ થઈ ચુકી છે. જાલાન પાન ઈન્ડિયા નેટવર્ક ધરાવે છે અને પાકિસ્તાન તથા અખાતી દેશો તેમજ યુરોપમાં પણ તેનું નેટવર્ક જામેલું છે. ૨૦૧૫માં ભ્રષ્ટાચારના કેસમાં પાંચની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી એક તે પણ હતો. તે વખતે અમદાવાદમાં ફરજ બજાવતા કેટલાક કસ્ટમ અધિકારીઓ સામે લાંચના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જાલાનનું રેકેટ ૧૦૦૦ કરોડથી ઉપરનું છે અને આ મામલામાં હજુ પણ નવા ખુલાસા થઈ રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.