(એજન્સી) નવી દિલ્હી , તા.૨૮
સુપ્રીમ કોર્ટએ એક મામલાની સુનાવણી હાથ ધરતાં ઉત્તરપ્રદેશમાં વધતાં અપરાધો સામે લાલ આંખ કરી હતી. એક આરોપી સામે આઠ જેટલા ગુન્હા નોંઘાયેલા હતા, જેની સુનાવણી બાદ અદાલતે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ટોચની અદાલતે અપરાધીને જણાવ્યું હતું કે તમે એક માથાભારે માણસ છો. જેથી તમને જામીન આપી શકાય નહી. કોર્ટે ઉત્તરપ્રદેશના કુખ્યાત વિકાસ દુબેના નામનો ઉલ્લેખ કરી જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે ગુનેહગારોેને અપાતા જામીનને કારણે ઉત્તરપ્રદેશ સરકાર પણ પરેશાન છે. દુબેને જામીન આપવામાં આવ્યા ત્યારબાદ તેણે શું કર્યુ તેનાથી તમામ લોકો વાકેફ છે. સુુપ્રમી કોર્ટે ઉત્તરપ્રદેશમાં વધતી ગુનહાખોરીનો ઉલ્લેખ કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે જેની પર ૬૪ કેસો હતાં તેવા વિકાસ દુબેને જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે એક મોટો હત્યાકાંડ સર્જયો હતો. જે વાત આખો દેશ જાણે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત બે જુલાઈની રાતે દરોડા દરમ્યાન વિકાસ દુબેએ પોલીસ ટીમ પર હુમલો કરી આઠ પોલીસને ઠાર માર્યા હતાં. આ ઘટનાના અમુક દિવસ બાદ વિકાસ દુબે પણ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. વિકાસ દુબે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપાયો હતો. તેને કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસની ગાડી પલ્ટી ખાતા દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન થયેલી અથડામણમાં તે માર્યો ગયો હતો.