અમદાવાદ, તા.ર૮
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મંગળવારના સવારથી સાંજ સુધી રાજ્યના ૪પ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. વલસાડમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં વલસાડ શહેરમાં માત્ર ચાર કલાકમાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે પારડી, કપરાડા, ધરમપુર, વાપી, નવસારી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે વલસાડમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને પગલે અનેક જગ્યાએ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીમાં પાણીની આવક થઈ ગઈ છે, આમ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ૧થી ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પારડી, ગણદેવી અને ચીખલીમાં ૪ ઈંચ, ખગ્રામમાં દોઢ ઈંચ, સુરતના મહુવા અને નવસારીના વાંસદામાં પણ દોઢ ઈંચ જ્યારે તાપીના વડોદ અને નવસારીના જલાલપોરમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે, આમ દક્ષિણ ગુજરાતમાં મેઘો ઓળઘોળ થતાં મોટાભાગના સ્થળોએ વરસાદ થયો છે જેમાં વલસાડ જિલ્લામાં ઝંઝાવાતી બેટિંગ કરી છે. વરસાદને કારણે જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જ્યારે ધોધમાર વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં તો મેઘો ઓળઘોળ થયો હતો. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં દ્વારકાના ખંભાળિયામાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો ૪૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ૮ તાલુકાઓમાં ર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.