અમદાવાદ, તા.ર૮
ગુજરાતમાં પહેલી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને રૂા.૫૦૦નો દંડ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આખા રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનારા લોકોને ૫૦૦નો દંડ કરવાનો ચુસ્તપણે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ દંડની રકમ ૨૦૦ છે જે ૧ ઓગસ્ટથી વધારીને ૫૦૦ કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનાર પાસેથી ૨૦૦ અને ૫૦૦ આમ અલગ-અલગ રીતે દંડ વસૂલવામાં આવે છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તેમજ લોકો નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરે તે માટે પહેલેથી જ માસ્ક ન પહેરવા બદલ ૫૦૦નો દંડ વૂસલવામાં આવી રહ્યો છે. બીજી તરફ લોકોને માસ્ક સરળતાથી મળી શકે તે હેતુથી રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર ૨ રૂપિયાની કિંમતે સાદા માસ્ક મળી શકશે. આ માસ્ક રૂા.૧૦ની કિંમતે પાંચ માસ્કના પેકિંગમાં મળશે. અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં કોર્પોરેશન અને પોલીસ માસ્ક ન પહેરવા પર અલગ-અલગ દંડ વસૂલે છે. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ માસ્ક વિનાના વ્યક્તિ પાસેથી ૨૦૦ જ્યારે કોર્પોરેશન ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલે છે. પરંતુ સરકારના આ નિર્ણય બાદ હવે ૧ ઓગસ્ટથી અમદાવાદ સહિત રાજ્યમાં ભરમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારને એક સરખો જ ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. કોરોનાની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે.