ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સ્થાપી રહ્યું છે. રોજેરોજ ૧ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આથી કોરોનાને કાબૂમાં લેવા સરકાર અને મ્યુનિસિપલ તંત્ર જરૂરી તમામ પગલાં લઈ રહ્યું છે. કોરોનાને વધતો અટકાવવા લોકડાઉનમાં તમામ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ અનલોકમાં સરકારની ગાઈડલાઈનના પાલન સાથે ધાર્મિક સ્થળોમાં મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાં કેટલાક કિસ્સામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી સરકારી ગાઈડલાઈનનું પાલન થઈ શકતું ન હતું. આથી કેટલાક ધાર્મિક સ્થળોના વહીવટકર્તાઓએ સ્વેચ્છાએ બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ જ રીતે અહમદાબાદ શહેરના શાહેઆલમ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સુફીસંત હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રહેમતુલ્લાહ અલયહે)ની દરગાહના ટ્રસ્ટીઓએ પણ હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તા.ર/૮/ર૦ર૦ સુધી હઝરત શાહેઆલમ (રહેમતુલ્લાહ અલયહે)ની દરગાહ અને મસ્જિદ જાહેર જનતા, ઝાયરીન અકીદતમંદો તથા નમાઝીઓ માટે બંધ રાખવા નિર્ણય લીધો છે. પરિણામે હાલ સમગ્ર સંકુલ દર્શનાર્થીઓ અને નમાઝીઓ વિના સૂમસામ ભાસી રહ્યું છે.