(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૮
કોરોના વાયરસની વેક્સિન બનાવવાના ક્રમમાં સોમવારે અમેરિકામાં દુનિયાની સૌથી મોટી ટ્રાયલનો પ્રારંભ થયો છે. અહેવાલો અનુસાર આ ટ્રાયલમાં ૩૦ હજાર લોકો ભાગ લઇ રહ્યા છે. દુનિયાભરમાં કોરોના વેક્સિનની શોધ થઇ રહી છે જેમાં જે વેક્સિન અંતિમ ચરણમાં છે તેમાં અમેરિકાનો સમાવેશ થાય છે. આ ક્રમમાં સોમવારે અમેરિકામાં ૩૦ હજાર લોકોને મોડરના ઇન્ક અને ફાઈઝર ઇન્ક દ્વારા બનાવેલી એમઆરએનએ-૧૨૭૩ વેક્સિન અપાઇ છે. આ વેક્સિન એવા પસંદ કરાયેલા લોકોને અપાઇ છે જેઓ કોરોના વાયરસ સામેની લડાઇની રેસમાં અંતિમ તબક્કામાં છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ(એનઆઇએચ) અને મોડરના ઇન્કની બનાવેલી પ્રાયોગિક વેક્સિન વાયરસ સામે બચાવ કરશે તેની કોઇ ગેરંટી હાલ અપાઇ નથી. અમેરિકા સરકારે આ વેક્સિનને આશરે એક અબજ ડૉલરનો સહયોગ આપ્યો છે. કંપનીના અધિકારીઓએ દાવો કર્યો છે કે, આ વર્ષના અંત સુધી રસી બજારમાં આવી શકે છે.
દુનિયાભરમાં હાલ ૧૫૦થી વધુ વેક્સિનની ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. બે ડઝન જેટલી વેક્સિનની માનવો પર ટ્રાયલ ચાલુ છે. આમાં મોડરના ઇન્ક અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન અંતિમ ચરણમાં આગળ વધી ગઇ છે. કંપનીઓ આ વર્ષના અંત સુધી વેક્સિનને બજારમાં લાવવાના પ્રયાસમાં છે. ટ્રાયલના અંતિમ ચરણમાં જોવામાં આવશે કે, વેક્સિન કેટલી સુરક્ષિત છે અને વાયરસના સંક્રમણથી બચવા માટે કેટલી કારગત સાબિત થાય છે. આમાં એ પણ જોવાશે કે, વેક્સિન કોઇ દર્દીને કોરોના વાયરસને કારણે થનારા મોતથી બચાવવામાં કેટલી હદે ઉપયોગી થાય છે. મોડરનાએ જણાવ્યું છે કે, વર્ષમાં ૫૦ કરોડ રસીઓ તૈયાર કરવાની તેની તૈયારી છે. આ ક્ષમતાને વધારીને વર્ષમાં એક અબજ રસી તૈયાર કરવાના પ્રયાસ છે. અમેરિકા ઇચ્છે છે કે, દેશમાં ઉપયોગમાં લેવાનારી વેક્સિનનું પરિક્ષણ તે પોતે જ કરે. આ મહિને એક રસીનું ૩૦ હજાર લોકો પર પરિક્ષણ થશે. આ ટેસ્ટમાં એ જોવામાં આવશે કે વેક્સિન કેટલી હદે સુરક્ષિત છે. ત્યારબાદ વૈજ્ઞાનિકો આ વેક્સિનની સરખાણી કરશે. આગામી મહિને ઓક્સફર્ડની વેક્સિનનો ટેસ્ટ થશે અને પછી સપ્ટેમ્બરમાં જોનસન એન્ડ જોનસન અને ઓક્ટોબરમાં નોવાવેક્સનું પરિક્ષણ થશે. પફીઝર ઇન્ક પોતે જ ૩૦ હજાર લોકો પર પરિક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, સાત ભારતીય દવા કંપનીઓ પણ કોરોના વાયરસ સંક્રમણની વેક્સિન બનાવવાના પ્રયાસ કરી રહી છે. વૈશ્વિક સ્તરે આ જીવલેણ મહામારીના પ્રસારને રોકવા માટે વેક્સિન બનાવવાના પ્રયાસ કરાય છે. ઘરેલુ ફાર્મા કંપનીઓની વાત કરવામાં આવે તો ભારત બાયોટેક, સિરમ ઇન્સ્ટીટ્યૂટ, ઝાયડસ કેડિલા, પેન્સિયા બાયોટેક, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ, મિનવેક્સ અને બાયોલોજિકલ-ઇ કોરોના વાયરસની રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.