અમદાવાદ,તા.ર૮
યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલે, રાજયમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરતી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગની અગ્રણી સંસ્થા ઈન્ડસ્ટ્રીયલ એકસટેન્શન બ્યુરો (ઈન્ડેકસટીબી) સાથે સમજૂતી કરાર કર્યા છે. યુકેઆઈબીસી અને ગુજરાત સરકાર વચ્ચેની આ ભાગીદારી રાજયમાં કારોબાર અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તે ગુજરાતમાં બ્રિટીશ વેપાર ઉદ્યોગો માટે બારોબારલક્ષી માહોલ સુદૃઢ બનાવવામાં અને તેમની સાથેના જોડાણને મજબૂત બનાવવામાં ઉપયોગી નીવડશે.
ગુજરાત સરકારના ઈન્ડસ્ટ્રીયલ એકસટેન્શન બ્યુરો (ઈન્ડેકસટીબી)ના મેનેજિંગ ડિરેકટર સુશ્રી નિલમ રાની તથા યુકેઆઈબીસીના મેનેજિંગ ડિરેકટર કેવીન મેકકોલે દ્વારા બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશન-અમદાવાદના ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કૂક, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ.કે.દાસ તથા ગુજરાત સરકારના ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન વિભાગના રેસિડેન્ટ કમિશનર અને કમિશનર આરતી કંવરની ઉપસ્થિતિમાં યોજાયેલા વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.