(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૯
સુરતને શાંધાઈ બનાવવાની વોતો કરનાર ભાજપ સરકારે આ શહેરને વુહાન બનાવી દીધું છે તેમ સુરત શહેરની સરકારી હોસ્પિટલોની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવી ભાજપ સરકારની નિષ્ફળતાને આડે હાથ લીધી હતી. સુરતમાં કોરોનાના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા આજે સુરત દોડી આવ્યા હતા. આજરોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા, મનપાના કોંગ્રેસના નેતા પ્રફુલ્લ તોગડિયા સહિતના આગેવાનો સાથે તેમને સ્મીમેર અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોવિડ-દર્દીઓની સારવારમાં સતત જીવના જોખમે ફરજ બજાવતા તબીબ સહિતના સ્ટાફની કામગીરીને વખાણી તેમને તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. તેમાંય ખાસ કરીને સુરત શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભૂતકાળમાં સુરત શહેરને શાંધાઈ બનાવવાની ગુલબાંગો હાંકનારા ભાજપ શાસકોની નિષ્ફળતા અને સંકલનના અભાવે આજે સુરત શાંધાઈ તો નહીં પરંતુ વુહાન જરૂર બની ગયું છે. આજે હોસ્પિટલની મુલાકાત દરમિયાન સરકાર તરફથી જે મદદ હોસ્પિટલના સ્ટાફને મળવી જોઈએ તેનો અભાવ નજરે પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ અને પેરા મેડિકલની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. આઉટ સોશિંગમાં કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. ઉપરાંત કોરોનાગ્રસ્તોને સારવાર માટે જરૂરી ઈન્જેક્શનો સરળતાથી ઉપલબ્ધ સરકાર કરાવી શકતી નથી. ઉલ્ટાનું આ ઈન્જેક્શનોની કાળા બજારી થઈ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. આ બધી બાબતો ભાજપ સરકારની ઘોર નિષ્ફળતા જ દર્શાવે છે.