અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં શ્રાવણ મહિનો શરૂ થયો જો કે હજુ પણ ચોમાસુ જામ્યું નથી અને રાજ્યમાં અનેક સ્થળોએ હજુ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. તો કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અપર એર સાયકલોનિક સરક્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ર, કલાકમાં ૬ ઈંચ વરસાદ થયા બાદ આજે સવારથી સાંજ સુધીમાં અડધાથી સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસમાં દક્ષિણી ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, દ્વારકા તેમજ ગીર સોમનાથ જિલ્લા સહિત કેટલાક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે. આમ એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો પ૦ ટકાથી વધુ વરસાદ થયો છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં રપ ટકા કરતા પણ ઓછો વરસાદ થયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી રાજ્યમાં સરરાશ ૪૧ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે જુલાઈ મહિનો પૂર્ણ થવાના આરે હોવા છતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. આમ એક તરફ રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ સતત વરસી રહ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ ઘણા સમયથી કોરાકટ પડ્યા છે.
આમ હાલ તો ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘો ઓળઘોળ થયો છે. સવારથી બપોર સુધીમાં નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઈંચ, નવસારીમાં સવા ત્રણ ઈંચ, ડાંગ જિલ્લામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો જંયારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉનામાં એક ઈંચ, તેમજ જૂનાગઢ, પોરબંદર, રાજકોટ સહિત કેટલાક સ્થળોએ ભારે વરસાદી ઝાપટાઓ સાથે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે બપોર બાદ ઉના, રાજુલા, જાફરાબાદ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી જ્યારે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના પ૯ તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી પ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.