વડોદરા, તા.૩૦
વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનરના દશામાની મૂર્તિઓ નદીઓ, તળાવો અને નાળાઓમાં વિસર્જન પર પ્રતિબંધના જાહેરનામાને લઈને બુધવારે મોડી રાત્રે શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. વડોદરાની પેન્ટર તાનાજીની ગલી, સિદ્ધનાથ તળાવ સામે મોડી રાત્રે યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઈના અગ્રણીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દશામાની મૂર્તિ ભેગી કરીને નવાપુરા દશામાની વાવ ખાતે મૂકવા જતા હતા, ત્યારે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મૂર્તિઓની ખેંચતાણ થઈ હતી. જેમાં કોંગ્રેસના અમિત ઘોટીકર, દેવાંગ ઠાકોર અને મિતેષ ઠાકોર સહિત ૧પ જેટલા કાર્યકરોની નવાપુરા પોલીસે અટકાયત કરી હતી. શ્રદ્ધાળુઓ વિસર્જન કરવા બાબતે છેલ્લા ૩ દિવસથી ચિંતિત હતા, ત્યારે વડોદરાના વિવિધ સંગઠનો અને કોંગ્રેસે દશામાની મૂર્તિનું વિસર્જનનું બીડું ઉપાડ્યું હતું. વર્ષોથી દશામાનું વિસર્જન રાત્રે ૧ર વાગ્યા બાદ થતું હોય છે. વડોદરા શહેરમાં વિવિધ સંગઠનો અને કોંગ્રેસ દ્વારા રાત્રે શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મૂર્તિ મૂકવા આવ્યા હતા, આરતી દરમ્યાન જ પોલીસ એનએસયુઆઈ પ્રમુખ દેવાંગ ઠાકોરની ધરપકડ કરી, ત્યારબાદ તુરંત જ મૂર્તિ લઈને બેઠેલા મિતેષ ઠાકોર અને કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકર જોડેથી જબરજસ્તીથી મૂર્તિ લેવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ મૂર્તિની ચિંતા કર્યા વગર દશામાની મૂર્તિ ખેંચીને લઈ લીધી હતી. ત્યારબાદ પોલીસે મિતેષ ઠાકોર અને અમિત ઘોટીકરની અટકાયત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા અમતિ ઘોટીકરે જણાવ્યું કે આ હિન્દુ વિરોધી સરકાર છે અને હિન્દુઓના તહેવારોમાં રોડા નાખવાનું ચૂકતા નથી. ત્યારબાદ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચીને નવાપુરા પોલીસ સ્ટેશન પીઆઈ સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ નવલખી મેદાનમાં ટીમ રિવોલ્યુશન દ્વારા પણ વિસર્જન માટે મૂર્તિઓ ભેગી કરવામાં આવી રહી હતી ત્યારે રાવપુરા પોલીસે જય ઠાકોર, સોનુ મોરે, દીર્ઘશ બોચરે, સની પવારની ધરપકડ કરવામાં આવી ત્યાં પણ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ નવલખી મેદાને પહોંચી ગયા હતા. અને દરમ્યાન સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, નારાયણ રાજપુર અને અતુલ ગામેચીને સમજાવીને પોલીસે મૂર્તિ ભેગી કરીને મામલો થાળે પાડ્યો હતો.
4.5