હવે જ્યારે રાફેલ ફાઇટર જેટની પ્રથમ બેચ ૭૦૦૦ કિ.મી.ની સફર પૂર્ણ કરીને આજે અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચી ગઇ છે ત્યારે આ રાફેલ ડીલ સામે ઊભા થયેલ સવાલો અને તેને લગતા કવરેજ અંગે દૃષ્ટિપાત કરીએ.
૧. મોદીએ રાફેલ ડીલ ૯૫ ટકા પૂર્ણ થઇ ગયાના માત્ર બે સપ્તાહમાં શૂન્ય પર કઇ રીતે આવી ગઇ તેનો ખુલાસો કરવો જોઇએ
૨૦૧૬ અને ૨૦૧૭માં રાફેલ ડીલ અંગે મુખ્ય વિવાદ એ હતો કે શરૂઆતની દરખાસ્ત ટેકનોલોજી ટ્રાન્સફર સાથે ૧૨૬ વિમાન ખરીદવાની હતી જે પાછળથી ઘટીને માત્ર ૩૬ ફાઇટર જેટ પર એકાએક આવી ગઇ. શરૂઆતમાં ચિંતા એ વાતની હતી કે આ નવી ડીલ અંગે પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને શરૂઆતમાં અંધારામાં રાખવામાં આવ્યાં હતા અને નિર્ણય લેવાયાં બાદ તેમને જાણ કરાઇ હતી અને ત્યાર બાદ જાહેરમાં તેનો બચાવ કરવાની જવાબદારી તેમના પર છોડવામાં આવી હતી.
૨. જેટલીના ૧૫ પ્રશ્નો મોદીના રાફેલ ડીલના કાળા સ્વરૂપને પ્રસ્થાપિત કરે છે
૨૦૧૮માં કોંગ્રેસે ક્રોનિ કેપિટાલિઝમના મજબૂત આક્ષેપો કરવાની સાથે આ વિવાદી ડીલે રાજકીય વળાંક લીધો હતો. આ વિવાદના મૂળમાં વાત એ હતી કે શું મોદીએ આ ડીલ વધુ સારી રીતે પ્રાપ્ત કરી છે અને શંકાથી પર રહીને આ ડીલ કરવામાં આવી છે ? આ માટે વિમાનની કિંમત, ફ્રાંસ તરફથી સોવરેન ગેરંટીનો અભાવ, રિલાયન્સ ડીફેન્સની સામેલગીરી અને રાફેલ કોન્ટ્રેક્ટના ભાવ નિર્ધારણમાં યુરો ફાઇટરની પ્રપોઝલનો કેમ ઉપયોગ કરાયો ન હતો ? જેવા પ્રશ્નો ઊભા થયાં હતાં. આ ઉપરાંત ધ વાયરમાં એક મહત્વનો લેખ પ્રસિદ્ધ થયો હતો. જેનું મથાળું હતું કે ‘અનિલ અંબાણીની નિષ્ક્રિય કંપનીમાં રફાલ ડીલ બાદ ડસોલ્ટને મૂડીરોકાણને કારણે રિલાયન્સને રૂા.૨૮૪ કરોડનો નફો થયો હતો.’
૩. રાફેલ ડીલ : સુપ્રીમકોર્ટના ચુકાદામાં ૯ પ્રશ્નો અનુત્તરીય રહ્યાં છે
િ ડસે.૨૦૧૮માં લાંબી અને વિવાદાસ્પદ સુનાવણી બાદ સુપ્રીમકોર્ટે ડીલમાં તપાસ કરવાની માગણી કરતી પિટિશનો ફગાવી દીધી હતી. ધ વાયર દ્વારા આ લેખમાં એવું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે આખરી ચુકાદામાં સંખ્યાબંધ દલીલો અને વિગતોની સુપ્રીમકોર્ટે કાં તો ઉપેક્ષા કરી છે અથવા તો વધારે પ્રશ્ન કર્યા વગર યથાવત સ્વીકાર કર્યો છે.
૪. રાફેલ રીવ્યૂ પિટિશન : ભૂષણ, શૌરી અને સિંહા દ્વારા લેખિત રજૂઆતની સંપૂર્ણ ટેક્સ્ટ
પ્રશાંત ભૂષણ, અરુણ શૌરી અને યશવંતસિંહા દ્વારા દાખલ કરવામાં આવેલ રીવ્યૂ પિટિશનની સંપૂર્ણ ટેક્સ્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે સુપ્રીમકોર્ટનો ડિસે. ર૦૧૮નો ચુકાદો કેન્દ્રએ આપેલી અસત્ય અને અધૂરી હકીકતો પર આધારીત છે. આ ત્રિપુટીએ ખરીદીની પ્રક્રિયામાં મહત્વનું વિચલન અને ઉલ્લંઘન જ થયું નથી પરંતુ અદાલત સમક્ષ કેટલીક માહિતી છૂપાવવા બદલ કેટલાક સરકારી અધિકારીઓ વિરુદ્ધ ખોટી જુબાની આપવા બદલ કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી હતી.
૫. સુપ્રીમકોર્ટે ક્યા ત્રણ કારણોસર રાફેલ ચુકાદાની સમીક્ષા નહીં કરવાનો નિર્ણય કર્યો ?
નવે. ૨૦૧૯માં સુપ્રીમકોર્ટે રાફેલ ડીલમાં તપાસ નહીં કરવાના પોતાના આદેશની સમીક્ષા કરવાની દાદ માગતી તમામ પિટિશન ફગાવી દઇને વિવાદના કાનૂની પાસા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજય કિશન પૌલ અને ન્યાયમૂર્તિ કે એમ જોસેફની ત્રણ જજોની બનેલી સુપ્રીમકોર્ટની બેંચે આ ચુકાદો આપ્યો હતો અને જાહેર કર્યુ હતું કે રીવ્યૂ પિટિશનમાં કોઇ મેરીટ નથી. અગાઉના ચુકાદામાં ભૂલના મુદ્દે બેંચે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે આ ભૂલો કાંતો ફીક્સ્ડ (વિવાદાસ્પદ કેગ રિપોર્ટના સંદર્ભમાં) થઇ છે અથવા તો પ્રારંભિક ચુકાદાને પ્રભાવિત કરે એટલી હદે મહત્વની નથી. પ્રોસિઝર ઉલ્લંઘનના પ્રશ્ને અદાલતે જણાવ્યું હતું કે નિર્ણય પ્રક્રિયા દરમિયાન જુદા જુદા અભિપ્રાયો વ્યક્ત થયાં હશે પરંતુ અસંમતિનો અર્થ એવો નથી કે કંઇ ખોટું થયું હશે. (સૌ. : ધ વાયર.ઇન)