(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૧
અંકલેશ્વરની સ્ટેશન મસ્જિદ ખાતે સુરક્ષા સાથે સલામતીનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જુમ્માની નમાઝમાં મસ્જિદ ખાતે આવતાં દરેક નમાઝીના શરીરનું તાપમાન માપીને તથા માસ્ક પહેરેલાઓને જ પ્રવેશ આપવામાં આવી રહયો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત છે. શનિવારે બકરી ઇદનો તહેવાર હોવાથી સ્ટેશન મસ્જિદ ખાતે તકેદારીના વિશેષ પગલાં ભરવામાં આવી રહયાં છે. વોર્ડ નંબર-૪ના નગરસેવક રફીક ઝગડીયાવાળા તેમજ મસ્જિદોના ટ્રસ્ટીઓ તરફથી સુરક્ષા સાથે જનજાગૃતિનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનાર તેમજ હાઈ ટેમ્પરેચર જણાતા લોકોને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જે લોકો માસ્ક વિના આવ્યા હતા તેમને માસ્ક ખરીદવા માટે પણ મોકલાયાં હતા. આવતીકાલે ઈદની નમાઝમાં પણ વધુ લોકો એકત્રિત ના થાય તે માટે સ્ટેશન મસ્જિદમાં બે તબક્કામાં ઈદની નમાઝ અદા કરાવવામાં આવશે.