(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૧
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં મધ્યરાત્રિ બાદ આગ ભભૂકી ઉઠતા બે જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ગામનો તમામ રેકોર્ડ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયો હતો. અંકલેશ્વરના પીરામણ ગ્રામ પંચાયત કચેરી ખાતે મધ્યરાત્રિ બાદ અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. આગને જોતા ગામના સરપંચ વિષ્ણુ વસાવા, ડે.સરપંચ ઈમરાન પટેલ, તલાટી તથા અગ્રણી અસલમ હાટિયા સહિતના ગ્રામજનો દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જોકે આગ વધુ ફેલાતા જીઆઇડીસી ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા બે જેટલા ફાયર ટેન્ડર સાથે ફાયટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ગામનો તમામ રેકોર્ડ અને દસ્તાવેજો તેમજ કોમ્પ્યુટર, ઇન્વેટર સહિતના ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલે શહેર પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ગામના ડેપ્યુટી સરપંચ ઈમરાન પટેલે એફએસએલ તપાસની માંગ કરી હતી જે અંગે તાલુકા પંચાયતના ટીડીઓ ઘટના સ્થળની મુલાકાત લઈ પોલીસ અધિકારીઓ જોડે ચર્ચા વિચારણા હાથ ધરી હતી.