(એજન્સી) તા.૩૧
ભારત જેવા દેશમાં ખ્રિસ્તીઓ વિરૂદ્ધ હેટ ક્રાઈમની ઘટનાઓમાં ૪૦.૮૭ ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. જો કે, એ પણ એવા સમયે જ્યારે દેશભરમાં લોકડાઉન લાગુ રહ્યું છે. પર્સિક્યૂશન રિલીફ હાફ યરલી રિપોર્ટ ઓફ ૨૦૨૦માં જણાવાયું હતું કે, ખ્રિસ્તીઓ વિરૂદ્ધ હેટ ક્રાઈમના ૨૯૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ તો દુષ્કર્મ સંબંધિત તથા છ તો હત્યા સંબંધિત હતા. જો કે, ૨૦૧૯માં જ આ મહિનાઓ દરમિયાન પર્સિક્યૂશન રિલીફે ૨૦૮ ઘટનાઓ નોંધી હતી જે ખ્રિસ્તીઓ વિરોધી હતી. જાન્યુઆરી ૨૦૧૬થી જૂન ૨૦૨૦ દરમિયાન કુલ ૨૦૬૭ કેસ ખ્રિસ્તીઓ પર કરાયેલા હુમલા સંબંધિત હતા. આ તમામ આંકડા ભારતમાં બનેલી ઘટનાઓના જ છે. પર્સિક્યૂશન રિલીફ અનુસાર આજે ભારતમાં ખ્રિસ્તીઓ વિરૂદ્ધ શત્રુતાની ભાવના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે. આ દરમિયાન ઓર્ગેનાઈઝેશનના હેડ શિબુ થોમસે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ મહિના દરમિયાન ખ્રિસ્તીઓ વિરૂદ્ધ થતાં હુમલા અને હિંસાની ઘટનાઓમાં ધરખમ વધારો નોંધાયો હતો. કુલ ૨૨ જેટલાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખ્રિસ્તી સમુદાયના લોકો વિરૂદ્ધ હેટ ક્રાઈમની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. ધર્મના આધારે વેરભાવ રાખીને જ છ તો હત્યાઓ કરવામાં આવી અને આ ઘટનાઓ ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં બની હતી. જો કે, યુપીમાં કુલ ૬૩ ઘટનાઓ હેટ ક્રાઈમ સંબંધીત હતી. તમિલનાડુમાં પણ ૨૮, છત્તીસગઢમાં ૨૨, ઝારખંડમાં ૨૧ કેસ ખ્રિસ્તીઓ વિરૂદ્ધ હેટ ક્રાઈમના હતા.