એક જ દિવસમાં કોરોનાના ૫૫,૦૭૮ કેસ, ૭૭૯ લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૬ હજારને પાર, ૧૦.૨૮
લાખ લોકોએ કોરોનાને માત આપી, દેશમાં ૬૦ ટકા કેસો અને ૫૦ ટકા મૃત્યુ માત્ર જુલાઇ માસમાં જ નોંધાયા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
દેશમાં અનલોક-૩ના એક દિવસ પહેલા જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૫૫ હજારથી વધુ થઇ છે. ગુરૂવારના એક જ દિવસમાં ૬.૪૨ લાખ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું હતું. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૫ લાખથી વધીને ૧૬ લાખની સંખ્યા માત્ર બે દિવસમાં જ થઇ ગઇ છે. દરમિયાન ૧૦.૨૮ લાખ દર્દીઓએ કોરોનાને માત આપી છે અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૭૭૯ લોકોનાં મોત થયા છે. બીજી તરફ કોરોનાથી મોત મામલે ભારત હવે અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન અને મેક્સિકો બાદ હવે પાંચમા નંબરે આવી ગયું છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત બે દિવસથી કોરોના દર્દીઓની સંખ્યા ૫૦ હજારને વટાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જુલાઇ માસમાં જ દેશમાં કોરોનાથી ૬૦ ટકા લોકો સંક્રમિત થયા અને ૫૦ ટકા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે શનિવારથી શરૂ થઇ રહેલા ઓગસ્ટ માસમાં કોરોના ક્યાં જઇને અટકશે તે જોવું રહ્યું. દેશમાં કોરોનાને કારણે પહેલી વખત ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૫,૦૭૮ કેસ સામે આવતાં હલચલ મચી ગઇ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૧૧ હજાર કરતાં વધારે અને બીજા નંબરે આંધ્રમાં પણ ૧૦ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. આજે શુક્રવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરાયા ત્યારે વધુ ૭૭૯ના મોત પણ નોંધાયા હતા. છેલ્લાં કેટલાક દિવસથી ૭૦૦ કરતાં વધુ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામી રહ્યાં હોવાનું નોંધાઇ રહ્યું છે.૧ ઓગસ્ટથી અનલોક-૩નો અમલ શરૂ થઇ રહ્યો છે ત્યારે કેસો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જો કે રાહત સમાન આ જ સમયગાળામાં વધુ ૩૭,૨૨૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સાજા થયા છે. તે સાથે જ કુલ કેસોનની સંક્યા ૧૬,૩૯,૩૫૦ પર પહોંચી ગઇ છે. સાજા થનારાઓની સંખ્યા પણ ૧૦ લાખને પાર ૧૦,૫૯,૦૯૩ થઇ છે અને ૭૮૬ના મોત સાથે મૃત્યુઆંક ૩૬ હજારની નજીક એટલે કે ૩૫,૭૮૬ પર પહોંચી ગયો છે. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં ગુરૂવારે કોરોનાના ૫૫૦૭૮ નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૬ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૫૫૦૭૮ કેસ નોંધાતા કુલ કેસ ૧૬૩૮૮૭૦ થઈ ગયા છે. બીજી તરફ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૦ જુલાઈ સુધીમાં દેશમાં કુલ ૧,૮૮,૩૨,૯૭૦ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર ગુરુવારની વાત કરીએ તો એક જ દિવસમાં ૬,૪૨,૫૮૮ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને ૬૪.૫૪ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૨૨૩ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ગયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોનો આંકડો વધીને ૧૦,૫૭,૮૦૫ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના સારવાર કેસ કરતા બમણા છે.