(એજન્સી) તા.ર
દિલ્હી સાથે જોડાયેલા ગુરૂગ્રામમાં બકરી ઈદના દિવસે મટન લઈને જઈ રહેલા શખ્સ સાથે કથિત ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી મારપીટની ઘટનામાં પ્રથમ ધરપકડ થઈ છે. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂગ્રામમાં શુક્રવારના દિવસે લગભગ ૯ વાગે કથિત ગૌરક્ષકોએ એક મટનથી ભરેલી પિક-અપ ટ્રકનો પીછો કર્યો હતો. તેમણે આ ટ્રકના ચાલકને પકડી તેને હથોડાથી માર માર્યો હતો. પોલીસે ઘાયલ લુકમાનના નિવેદન પરથી અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કર્યો હતો. ગાડીના માલિકનો દાવો છે કે તે છેલ્લા પ૦ વર્ષોથી મટનનો વ્યવસાય કરે છે અને તે ગાડીમાં ભેંસનું મટન હતું. પોલીસે તે મટનને તપાસ અર્થે લેબમાં મોકલી દીધું છે. કોઈએ મોબાઈલ વડે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કથિત ગૌરક્ષકો કેટલી નિર્દયતા સાથે ચાલકને હથોડાથી મારી રહ્યા છે. આટલું જ નહીં આ મારપીટ ગુરૂગ્રામના પોલીસકર્મીઓ અને અન્ય ડઝનબંધ લોકોની સામે ઘટી હતી. પરંતુ લુકમાનને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું.