(એજન્સી) તા.૨
ગઇ સાલ પ,ઓગસ્ટથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેનાર પાંચ મહાનુભાવોના બનેલા ધ કન્સલ્ડ સિટિઝન ગ્રુપે એક નિવેદન જારી કર્યુ છે. તેમણે આ નિવેદનમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં અટકાયત હેઠળના નેતાઓને મુક્ત કરવા જોઇએ. ૪-જી નેટવર્કનું પુનઃ સ્થાપન કરવું જોઇએ અને નિંયત્રણો હટાવી લેવા જોઇએ. આ ગ્રુપમાં પૂર્વ વિદેશ પ્રધાન યશવંતસિંહા, લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ વજાહદ હબીબુલ્લા, એરવાઇસ માર્શલ (નિવૃત્ત) કપિલ કાક, પત્રકાર ભારતભૂષણ અને સામાજિક કર્મશીલ સુશોભા બરવેનો સમાવેશ થાય છે. નિવેદનમાં જણાવાયું છે કે જ્યારથી જમ્મુ અને કાસ્મીરનો વિશિષ્ટ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારથી કાશ્મીરને ભારતની નિકટ લાવવાના, આંતકવાદનો અંત લાવવાના અને રાજ્યમાં વિકાસ લાવવાના જણાવેલા કોઇ લક્ષ્યાંકો સિદ્ધ થયાં નથી. તેના બદલે કાશ્મીરીઓએ ભારતીય રાજકીય નેતૃત્વ અને ન્યાયતંત્રમાં જે થોડો ઘણો વિશ્વાસ અને શ્રદ્ધા હતી તે પણ ગુમાવી દીધાં છે. સુપ્રીમકોર્ટને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદાના કાનૂની અને બંધારણ ઔચિત્યને પડકારનારી પિટિશન હાથ પર લેવા માટે કોઇ સમય મળતો નથી.તાજેતરના ભૂતકાળમાં ઘણા રાજકીય બિઝનેસ નેતાઓ અને વકીલોને છોડી મૂકવામાં આવ્યા છે તેમ છતાં હજુ ઘણા અટકાયત હેઠળ છે તેમાં પૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રના પગલાને કારણે વિશ્વભરમાં માત્ર ટીકા જ નથી થઇ, પરંતુ માનવ અધિકારનું ઉલ્લંઘન થયું છે અને ઇસ્લામોફોબિયા ઊભો થયો છે. આ ગ્રુપે પ્રદેશમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પર છેલ્લા એક વર્ષથી મૂકવામાં આવેલ પ્રતિબંધની વાત કરતાં જણાવ્યું હતું કે તેનાથી વિદ્યાર્થીઓ, નોકરીવાંચ્છુઓ, ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ અને સમાન્ય નાગરિકો સરખી રીતે પ્રભાવિત થયાં છે અને બેંકિંગ, ટ્રેડ, બિઝનેસ અને હેલ્થ કેરમાં હાહાકાર મચી ગયો છે. ૧૪ લાખ બાળકો ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં છે પરંતુ ૨-જી ટેકનોલોજી તેના માટે સક્ષમ નથી. આથી જમ્મુ-કાશ્મીરમાં ૪-જી કોમ્યુનિકેશન રિસ્ટોર કરવાની જરૂર છે.તમામ શાંતિપૂર્ણ રાજકીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણો હટાવી લેવા જોઇએ.