(એજન્સી) તા.ર
ભારત-ચીન વચ્ચે પ્રવર્તમાન તંગદિલી વચ્ચે ભારત આ સુનિશ્ચિત કરવા માગે છે કે રવિવારે શરૂ થયેલી કમાન્ડર સ્તરની મંત્રણના પાંચમાં રાઉન્ડમાં ચીન લદ્દાખના ફિન્ગર્સ વિસ્તાર અને પેન્ગોંગ સરોવરના કાંઠા પરથી તેનું સૈન્ય પાછું ખેંચી લે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચીન સતત સરહદ નજીક તેની સૈન્ય ક્ષમતામાં વધારો કરી રહ્યો છે. સેટેલાઈટ ફોટાઓ દ્વારા ફરી એકવાર ચીનના નાપાક ઈરાદાઓનો પર્દાફાશ થયો છે. સેટેલાઈટ ફોટાઓમાં દેખાય છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ભારતીય સીમા નજીક આવેલા કાશગર એરપોર્ટ પર પરમાણુ શસ્ત્રોથી સજજ તેના બોમ્બર વિમાનો તૈનાત કર્યા છે. આ ફોટાઓ દર્શાવે છે કે ચીને કાશગર એરપોર્ટ પર ૬ શિયાન એચ-૬ બોમ્બર, ૧ર શિયાન જે.એચ.-૭ ફાઈટર બોમ્બર તેમજ ૪ શેન્યાંગ જે-૧૧/૧૬ ફાઈટર વિમાનો તૈનાત કર્યા છે શૈન્યાંગ જે ૧૧/૧૬ વિમાનો ૩પ૩૦ કિ.મી.ની રેન્જ ધરાવે છે જયારે લદ્દાખ આ એરબેઝથી લગભગ ૬૦૦ કિ.મી. દૂર છે. જયારે પરમાણુ શસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવતા શિયાન એચ-૬ની રેન્જ ૬૦૦૦ કિ.મી. છે. રક્ષા નિષ્ણાતો મુજબ ચીન લદ્દાખ વિસ્તારમાં તેની હવાઈ તાકાતમાં વધારો કરવા માગે છે. ચીને થોડા સમય પહેલા આ પ્રકારના વિમાનો સાથે દક્ષિણ ચીની સમુદ્રમાં લશ્કરી કવાયત પણ હાથ ધરી હતી.
ભારતના લશ્કરે લદાખ સરહદે લાંબા શિયાળાની તૈયારીઓ શરૂ કરી દીધી
ચીનને ભારતના ટોચના લશ્કરી કમાન્ડરો વચ્ચે મંત્રણાનો પાંચમો દોર શરૂ થયો • સરહદે તોપ, ટેન્કો, શસ્ત્રો, દારૂગોળો અને ફાઇટર વિમાનો ગોઠવવાની કામગીરી ધમધમી રહી છે
ભારત અને ચીનના કોર્પસ કમાન્ડર સ્તરના અધિકારીઓ વચ્ચે આજે પાંચમા રાઉન્ડની મંત્રણા શરૂ થઇ ગઇ હતી તે દરમ્યાન ભારતના લશ્કરે લદાખ સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર લાંબા શિયાળાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ મંત્રણા દરમ્યાન ભારતીય લશ્કરનું પ્રતિનિધિમંડળ વાસ્તવિક અંકુશ રેખા ઉપર આવેલા પેગોંગ લેક અને દેપસાંગ વિસ્તારમાંથી ચીનના પીપલ્સ લિબરેશ આર્મીને સંપૂર્ણપણે પાછુ ખેંચી લેવાના મુદ્દે સૌથી વધુ ભાર આપશે. ચીનની સરહદમાં આવેલા મોલ્દો ખાતે આ મંત્રણઆ ચાલી રહી છે. યાદ રહે કે બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચેની પ્રથમ અને દ્વિતિય મિટિંગ પણ મોલ્દો ખાતે જ યોજાઇ હતી, જ્યારે ચોથી મંત્રણા ભારતના વિસ્તારમાં આવેલા ચુસુલ ખાતે યોજાઇ હતી. અત્યાર સુધી ચીને વાસ્તવિક અંકુશ રેખા ઉપરથી પોતાનુ લશ્કર પાછુ ખેંચી લેવા ગત ૧૪ જુલાઇના રોજ કોર્પસ કમાન્ડર સ્તરા અધિકારીઓ વચ્ચે જે સમજૂતિ થઇ હતી તેનું અક્ષરસઃ પાલન કર્યું નથી, અને ચીનનું લશ્કર હજુ પણ એક ઇંચ જેટલું પણ પાછુ ખસ્યુ નથી. દરમ્યાન ભારતીય લશ્કરે વિશ્વના આ સૌથી વધુ ઉંચાઇએ આવેલા સરહદી વિસ્તારોમાં નજીક આવી રહેલાં પરંતુ અત્યંત લાંબા શિયાળાની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમસ્ત વાસ્તવિક અંકુશ રેખા ઉપર તૈનાત સૈનિકોના ભોજન માટે વિપુલ પ્રમાણમાં અનાજ-પાણીનો જથ્થો પહોંચાડાઇ રહ્યો છે, અચાનક યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા હજારોની સંખ્યામાં સૈનિકોને તૈનાત કરવાની કવાયત શરૂ થઇ ગઇ છે, તોપ, ટેન્કો અને ફાઇટર વિમાનો સરહદે ગોઠવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જરૂરી શસ્ત્રો અને દારૂગોળો સરહદે મોકલાઇ રહ્યો છે. બંને દેશો વચ્ચે હાલ સંઘર્ષની સ્થિતિ યથાવત છે તેને જોતાં ભારત કોઇ તક લેવા માંગતુ નથી.હવે અમારે દરેક વસ્તુની ખુબ મોટા પ્રમાણમાં જરૂર પડશે, સૈનિકોના વસ્ત્રો, જોડાં, અનાજ ઉપરાંત અન્ય જરૂરી માલમાસાન જેવી તમામ ચીજવસ્તુઓની વ્યાપક પ્રમાણમાં જરૂર પડશે એમ સંરક્ષણ મંત્રાલયના એક ટોચના અધિકારીએ એનડીટીવીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.