(એજન્સી) નવી દિલ્હી, તા.૨
એક મોટા ધટનાક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અમિત શાહ દ્વારા જ ટ્વીટ કરી આ અંગેની માહીતિ આપવામાં આવી હતી. હાલ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૭ લાખ પર પહોંચી છે. શાહે ટ્વીટ કરી જણાવ્યું હતું કે મને કોરોનાના આરંભિક લક્ષણો જણાયાં હતાં. જેથી મે કોરોનાનો રિપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. જોકે મારું આરોગ્ય સારું છે પણ ડોકટરોની સલાહને અનુસરી હું હોસ્પિટલમાં દાખલ થયો છું. હું છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ પણ કોરોનાનો ટેસ્ટ કરાવે. મહેરબાની કરી આવા લોકો આઈસોલેટ થાય અને યોગ્ય સાવચેતી રાખે અને તપાસ કરાવે. રવિવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થતાં તેમને હરિયાણાના ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં હતાં. આ વચ્ચે એક ચિંતાજનક સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે અમિત શાહે ગત બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ સહિત ટોચના મંત્રીઓ સામેલ થયા હતાં. જો કે આ બેઠકમાં કોરોના અંગેની તમામ સાવચેતી દાખવવામાં આવી હતી. બેઠકમાં સામેલ થતાં પહેલાં મંત્રીઓના ટેમ્પરેચર તપાસવામાં આવ્યા હતાં. મોદીના સત્તાવાર નિવાસ્થાને આ બેઠક યોજાઈ હતી. બેઠક સમયે આરોગ્ય સેતુ એપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધારાના સાવચેતીના પગલાંરૂપે અંદરના સંકુલમાં ગાડીઓ પણ અટકાવવામાં આવી હતી. આ અગાઉ ગત સપ્તાહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનામાં સપડાયા હતાં. જેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અમિત શાહને કોરોના થતાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે હું ગઈકાલે ગૃહમંત્રીને મળ્યો હતો. ડોકટરોએ મને કવોરન્ટાઈન થવાની સલાહ આપી છે. હું આગામી કેટલાક દિવસ મારા પરિવારથી દૂર રહીશ અને ટૂંક સમયમાં કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવીશ. હું નિયમ પ્રમાણે કોરોનાના તમામ નિયમોનું પાલન કરવા બંધાયેલો છું.