Site icon Gujarat Today

મટકા કિંગ જીગ્નેશ ઠક્કર હત્યા કેસના સુરતમાંથી બે શકમંદની ધરપકડ

 

 

સુરત, તા.૩

મહારાષ્ટ્રના થાણેમાં વરલી મટકાના જુગારના ગેરકાયદે ધંધાની નાણાકીય લેતીદેતીના વિવાદમાં ભાગીદારનું ૫ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાના ગુનામાં પોલીસ સુરતથી બે શકમંદની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચે સ્ટેશન વિસ્તારની હોટલમાંથી બંનેને ઝડપી પાડ્યા અને થાણે પોલીસને બંનેનો કબજો સોંપ્યો હતો. બંને જે કારમાં સુરત આવ્યા હતા તે કાર એક સ્થાનિક મિત્રને સોંપી હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે તેની પણ શોધખોળ હાથ ધરી છે. મહારાષ્ટ્રના થાણે ખાતે ગત તા.૩૧ જુલાઈના રોજ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા અને ‘મટકા કિંગ’ ગણાતા જીગ્નેશ ઠક્કરનું થાણેના મહાત્મા ફુલે ચોક પોલીસ સ્ટેશનની હદમાં ૫ રાઉન્ડ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જીગ્નેશ વરલી મટકાનો ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલો હોવાથી આ હત્યા કેસે ભારે ચકચાર મચાવી હતી. આ ઘટનાના બે શકમંદ દીપક ભેરૂમલ રામચંદાની અને ધનરાજ જતિન શાહ અંગે ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે આ ઈસમો સુરતના રેલવે સ્ટેશન વિસ્તરમાં આવેલી હોટલોમાં સંતાયા છે. આ બાતમીના આધારે પોલીસે બંનેને સ્ટેશન વિસ્તારની હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધનરાજ જતિન શાહનો મોટોભાઈ ધર્મેશ ઉર્ફે નન્નુ શાહ અને જીગ્નેશ ભાગીદારીમાં વરલી મટકા અને સટ્ટા બેટિંગનો ગેરકાનૂની ધંધો કરતા હતા. ધર્મેશ ઉર્ફે નન્નુ શાહ અંડર વર્લ્ડ માફિયા છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની વિરૂદ્ધ ખંડણી, હત્યાના પ્રયાસ સહિત ૧૨ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે જમીન દલાલ દીપક રામચંદાની અને કરિયાણાની દુકાન ધરાવતો ધનરાજ શાહ તેના મોટાભાઈ ધર્મેશ ઉર્ફે નન્નુ શાહના રાઈટ હેન્ડ તરીકે કામ કરે છે જેથી તેઓની પણ જીગ્નેશ ઠક્કરના હત્યા કેસમાં સંડોવણીની આશંકા છે. બીજી તરફ તેઓ જીગ્નેશની હત્યા બાદ ભાગીને મારૂતિ સીઆઝ કારમાં સુરત આવ્યા હતા અને સ્થાનિક મિત્રને કાર સોંપી હતી જેથી પોલીસે આ કારની પણ શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીને ઝડપી પાડી તેમની ધરપકડ કરી વધુ તપાસ માટે થાણા પોલીસના હવાલે કર્યા છે.

 

Exit mobile version