(એજન્સી) તા.૩
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બળવાખોર નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને નિકમ્મા અને નક્કારા કહીને તેમના આકરા તેવર દેખાડ્યાના થોડા દિવસોમાં જ તેમના આ તેવર હવે શાંત થઈ ગયા હોય તેમ લાગે છે અને હવે તે તમામ બળવાખોર ધારાસભ્યો અને સચિન પાયલટને પણ માફ કરી દેવાના મૂડમાં હોય તેમ લાગે છે. અશોક ગેહલોતે કહ્યું હતું કે, જો કોંગ્રેસનું હાઈકમાન્ડ આ તમામ બળખોર ધારાસભ્યોને માફ કરી દેતું હોય તો તેઓ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. ગેહલોતે આ મુજબનું નિવેદન કરીને ભળવાખોરો સાથે સમાધાન કરવાનો સંકેત આપી દીધો હતો. રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રાએ રાજસ્થાન વિધાનસભાનું સત્ર આગામી ૧૪ ઓગસ્ટથી બોલાવવાની મંજૂરી આપી દીધી તે સાથે જ ગેહલોતના તેવર બદલાઈ ગયા હતા અને તેમનો આક્રોશ અને ગુસ્સો શાંત થઈ ગયો હોય તેમ લાગે છે. સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે છેલ્લા ત્રણ સપ્તાહથી શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે પરંતુ હવે બંને પક્ષ શાંત થઈ ગયા હોય તેમ લાગે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભાનું સત્ર હવે ૧૪ ઓગસ્ટથી શરૂ થઈ જશે તે તારીખ નક્કી થઈ ગઈ તે સાથે જ અશોક ગેહલોતે તેમને ટેકો આપતાં તમામ ધારાસભ્યોને જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાંથી તાત્કાલિક જેસલમેરની ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા હતા, કેમ કે ગેહલોતને પણ હવે તો પોતાના ધારાસભ્યો ઉપર વિશ્વાસ રહ્યો નથી જો લાંબો સમય સુધી જયપુરમાં ધારાસભ્યોને રાખવામાં આવે તો ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદીને લઈ જાય એવો ભય સતત ગેહલોતના માથે ઝળૂંબી રહ્યો હતો તેથી તેમણે જયપુરથી ઘણે દૂર આવેલા જેસલમેર ખાતે પોતાની આખી છાવણીને ખસેડી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોતે આજદિન સુધી એકપણ બળવાખોર ધારાસભ્ય વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો, ઉલ્ટાનું તેમણે ભાજપ ઉપર અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી ઉપર તેમની સરકાર ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવાનું ચાલું રાખ્યું હતું. અશોક ગેહલોતે ગઈકાલે મોડી સાંજે કહ્યું હતું કે, તે તમામ બળવાખોર ધારાસભ્યોને અપનાવી લેશે, પરંતુ તે સઘળી બાબત હાઈકમાન્ડ ઉપર નિર્ભર કરે છે. જો હાઈકમાન્ડ તેમને માફ કરી દે તો હું તેમને અપનાવી લઈશ. મારે અંગત કોઈ વાંધો-વિરોધ નથી, એમ ગેહલોતે કહ્યું હતું.