એક દિવસમાં કોરોનાના ૫૨,૯૭૨ કેસ, ૭૭૧નાં મોત • કુલ કેસો ૧૮,૩૦,૯૪૯ થયા, રિકવરી ૧૨ લાખને પાર, એક્ટિવ કેસોની સંખ્યા ૫,૮૫,૨૫૯ થઈ • એક્ટિવ કેસોમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં હાલત ગંભીર
(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સમગ્ર દેશમાં અનલોક-૩નો અમલ થરૂ થઈ ગયો છે અને પાંચ ઓગસ્ટથી જીમ-યોગા સંસ્થાઓને ખોલવાની મંજૂરી વચ્ચે ફરીથી કેસોની સંખ્યા ૫૦ હજારને પાર નોંધાઈ હતી. સોમવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા. કેસોની સંખ્યા ૧૮ લાખને પાર પહોંચી ગઈ હતી. આ જ સમયગાળામાં વધુ ૭૭૧નાં મોત થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૨,૯૭૨ નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૮,૩૦,૯૪૯ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર, ૯૭૨ દર્દીનો વધારો થયો છે. જ્યારે ૭૭૧ લોકોનાં મોત થયા છે જેમાંથી ૫ લાખ ૭૯ હજાર ૩૫૭ સક્રિય કેસ છે. સાથે જ અત્યાર સુધીમાં ૧૨ લાખ ૬ હજાર ૭૬૯ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી ૩૮ હજાર ૪૮૫ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૯૫૦૯ કેસો નોંધાયા હતા. ત્યારબાદ બીજા નંબરે આંધ્રમાં ૮૫૫૫ કેસો, તમિલનાડુમાં ૫૮૭૫ કેસો અને કર્ણાટકમાં ૫૫૩૨ કેસો એક જ દિવસમાં નોંધાયા હતા. દરમ્યાનમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જણાવ્યું કે, દેશમાં ૨ ઓગસ્ટ સુધી બે કરોડ ૨ લાખ ૨ હજાર ૮૫૮ કોરોના ટેસ્ટ કરાયા છે. રવિવારે એક દિવસમાં રેકોર્ડ ૩ લાખ ૮૧ હજાર ૨૭ સેમ્પલની તપાસ કરાઈ છે. જ્યારે એક અન્ય અહેવાલ પ્રમાણે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને મંજૂરી આપી દેવાઈ છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તમામ પ્રકારની આકારણી પછી આ મંજૂરી આપી દીધી છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સિનના ૫ જગ્યાએ ચાલી રહેલા ટ્રાયલના પહેલાં તબક્કામાં સકારાત્મક પરિણામ સામે આવ્યા છે આનાથી લોકોમાં એન્ટિબોડીમાં વધારો જોવા મળ્યો છે.