નવી દિલ્હી,તા.૫
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં આયર્લેન્ડનો શાનદાર વિજય થયો પરંતુ સામે પક્ષે ઇંગ્લેન્ડના સુકાની મોર્ગને પણ શાનદાર સદી ફટકારી હતી. રોઝ બાઉલ ખાતે રમાયેલી આ મેચમાં મોર્ગને માત્ર ૭૮ બોલમાં સદી પૂરી કરી હતી. તેણે ૧૫ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે ૮૪ બોલમાં ૧૦૬ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે કેટલાક રેકોર્ડ સર્જ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી આ તેની ૧૩મી સદી હતી. આમ તે તેણે વન-ડેમાં ૧૪ સદી ફટકારી છે પરંતુ તેમાંની એક સદી તે આયર્લેન્ડ તરફથી રમતો હતો ત્યારે નોંધાઈ હતી. આ સાથે તેણે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી નોંધાવનારા બેટ્સમેનમાં બીજો ક્રમ હાંસલ કરી લીધો છે. જો રૂટે ૧૬ અને માર્કસ ટ્રેસ્કોથિકે ૧૨ સદી ફટકારી હતી. હવે મોર્ગન કરતાં માત્ર જો રૂટ જ આગળ છે. આ ઉપરાંત તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે મોર્ગન એક કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિકસર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. મોર્ગને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને ૧૬૩ મેચમાં ૨૧૨ સિકસર ફટકારી છે. ધોનીએ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ૩૩૨ મેચમાં ૨૧૧ સિક્સર ફટકારી હતી. મોર્ગન હવે આયર્લેન્ડ સામે સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. જોકે તે મતે માત્ર છ બોલથી પોતાના જ દેશના રવિ બોપારાનો રેકોર્ડ તોડી શક્યો નહી. બોપારાએ ૨૦૧૩માં આયર્લેન્ડ સામે ૭૪ બોલમાં સદી ફટકારી હતી જ્યારે મોર્ગને આ માટે ૭૮ બોલ લીધા હતા.