(એજન્સી) તા.૫
ઈઝરાયેલનું કહેવું છે કે ગોલાન હાઈટસના વિસ્તારમાં સીરિયા તરફથી હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને નિષ્ફળ કરવામાં આવ્યો. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે હુમલા માટે ખૂબ જ શાંતિથી આગળ વધતી ટીમ પર તેણે હુમલો કર્યો છે. આ પહેલા ર૭ જુલાઈએ પણ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે, હિઝબુલ્લાહના જવાનોની એક ટીમે લેબેનોનની સીમાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને તેણે નિષ્ફળ બનાવી દીધો પરંતુ હિઝબુલ્લાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ઈઝરાયેલ જૂઠ બોલી રહ્યું છે. અમે હુમલો કર્યો નથી પરંતુ કરીશું જરૂર અને ઈઝરાયેલને બદલો લેવા માટે તૈયાર રહેવું જોઈએ.
ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તેણે જેવું જ ગોલાન હાઈટસના સીમાવર્તી વિસ્તારોમાં એક ટીમની શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ તેણે હુમલો કર્યો અને સીમા પર સૈનિકોને હાઈ એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે ચાર લોકોની ટીમ હતી જે ગોલાન હાઈટ્સના વિસ્તારમાં ઈઝરાયેલી સેનાના માર્ગમાં બોમ્બ રાખવાનો પ્રયાસ કરી રહી હતી. ઈઝરાયેલી સેનાએ સીરિયાને ધમકી આપી છે કે જો તેની જમીનથી કોઈ હુમલો થયો તો તે સીરિયાને તેની માટે જવાબદાર ગણશે. સૂત્રો મુજબ ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુએ હિઝબુલ્લાહને સંયુક્તરાષ્ટ્ર સંઘના માધ્યમથી સંદેશ મોકલ્યો છે કે તે અત્યારે પણ સીરિયામાં હિઝબુલ્લાહના કોઈ જવાન પર હુમલો નહીં કરે. આ વખતે હિઝબુલ્લાહના કમાન્ડરની હત્યા એટલા માટે થઈ કે તેને ત્યાં હાજર હોવાની માહિતી ન હતી.