અમદાવાદ, તા.પ
દહેજ ભૂખ્યા પતિએ હદ વટાવી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવા પતિએ પત્ની પાસે તે ચારિત્ર્યહિન હોવાનું લખાવી લીધું હતું. સમગ્ર મામલે કંટાળેલી પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના એક પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના જ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજસ્થાનનો આ પરિવાર દહેજ ભૂખ્યો હોવાથી પરિણીતાને ત્રાસ આપતો હતો. સાસરિયા તરફથી લાખો રૂપિયા દહેજ મળ્યું હોવા છતાં પતિ વધુ રૂપિયાની લાલચમાં આવી ગયો હતો. પતિએ સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવા પત્ની ચારિત્ર્યહિન હોવાનું સાબિત કરવા માટે કાગળમાં લખાણ કરાવી લીધું હતું કે, પત્નીને કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ છે. બાપુનગરમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી મહિલાના વર્ષ ૨૦૦૬માં રાજસ્થાનના ઉદેપુરના કેસરિયાજી ખાતે એક પરિવારમાં લગ્ન થયા હતા. હાલ તેને સંતાનમાં ૧૪ વર્ષનો પુત્ર અને ૧૦ વર્ષની પુત્રી છે. પુત્ર તેના પિતા સાથે જ્યારે પુત્રી આ મહિલા સાથે રહે છે. લગ્ન બાદથી જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી દહેજની આશા રાખી હતી. અવાર-નવાર કામને લઈને મહિલા સાથે બોલાચાલી કરતા હતા અને પછી વાત દહેજ પર લાવી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પણ મહિલા વિશે ખરાબ બોલી પુત્રની કાનભંભેરણી કરીને તેને તેનાથી દૂર કરી દીધો હતો. અમુક સમય બાદ પરિણીતાએ પુત્રીને જન્મ આપતા તેના લગ્નમાં વ્યવહારો કોણ કરશે તેમ કહી મહિલા પર ત્રાસ ગુજારતા હતા. મહિલાએ કંટાળીને પિયરમાં આ હકીકતો જણાવી હતી જેથી મહિલાના પિતાએ ત્રણ-ત્રણ લાખ રૂપિયા બે વાર એમ કુલ છ લાખ મોકલ્યા હતા. જો કે, આટલા દહેજથી સંતોષ ન થતાં પરિણીતાના પતિએ વધુ રૂપિયાની લાલચમાં આવીને પત્નીને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાનું એક કાગળ પર લખાવી લીધું હતું. બાદમાં આ વાત મહિલાના પિયરમાં જઈને કરી હતી અને મહિલાને ચારિત્ર્યહિન હોવાનું કહીને બદનામ કરી હતી. એટલું જ નહીં સાસરે રાખવી હોય તો વધુ રૂપિયાની માગણી કરી હતી. આખરે સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.