વડોદરા, તા.પ
વડોદરા શહેર-જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ મધ્ય રાત્રે અને આજે દિવસ દરમિયાન ગાજ-વીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે મધ્યરાત્રે બે વાગ્યાથી સતત વહેલી સવાર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી વરસાદી વાદળોએ જમાવટ કરવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન બપોરે ૧ર વાગ્યાથી ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદ શરૂ થતાં શહેરીજનોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. વડોદરા શહેર સાથે જિલ્લામાં પણ વરસાદ શરૂ થતાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું હતું. સમગ્ર જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને મેઘરાજાના વધામણા કર્યા હતા. જો આ સપ્તાહમાં વરસાદ વરસ્યો ન હોત તો ખેડૂતોના ડાંગર સહિતના પાકનું બિયારણ નિષ્ફળ ગયું હોત. જો કે, આજે વરસાદ વરસતા ડાંગર સહિતના પાકના બિયારણને જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરામાં અત્યારસુધીમાં ર૪૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના જિલ્લામાં કરજણ-૩ર૮ મી.મી., ડભોઈ-૪૩૦ મી.મી., ડેસર-૧૩૩ મી.મી., પાદરા-ર૮૩ મી.મી., વાઘોડિયા-ર૪૧ મી.મી., સાવલી-૧પ૧ મી.મી. અને શિનોર તાલુકામાં ૧૩પ મી.મી. વરસાદ નોંધાયો છે.