(એજન્સી) મુંબઈ, તા.૬
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અને તેમના પૂર્વ મેનેજર દિશા સાલિયાનનાં મોત વચ્ચેે કોઈ કડી હોવાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પૂનિત કૌર ધાંડા નામક વકીલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, જૂન ૨૦૨૦માં દિશાનું મોત થયું હતું જેના કેટલાક દિવસો બાદ સુશાંતે પણ આપઘાત કર્યો હતો જેનાથી એક રહસ્ય સર્જાયું છે. બંનેનાં મોત સંદિગ્ધ સ્થિતિમાં થયા હતા. કારકિર્દીના સુવર્ણયુગમાં બંનેના શંકાસ્પદ રીતે મોત થયા હતા તેમજ કેટલાક પ્રોજેક્ટમાંથી તેમને હટાવાતાં તેઓ હતાશ થયા હતા. મુંબઈ પોલીસ દ્વારા જે રીતે સંદિગ્ધ અવસ્થામાં દિશાની કેસ ફાઈલ દબાવી દેવામાં આવી તેની સામે પણ અરજીમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, બિહાર પોલીસે દિશાનાં મોત મામલે પણ તપાસ કરતાં સ્પષ્ટપણે જણાય છે કે, આ બે કેસ વચ્ચે કોઈ સંબંધ છે. બિહાર પોલીસે દિશા કેસની વિગત માંગતા મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, દિશા કેસની વિગતો ડિલીટ થઈ ગઈ છે અને આ ડેટા ફરી સ્થાપિત કરી શકાય તેમ નથી. આ આખો ઘટનાક્રમ શંકા જન્માવે તેવો છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, મુંબઈ પોલીસને નિર્દેશ આપવામાં આવે કે દિશાના કેસની તપાસનો સમગ્ર અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. તેમજ બિહાર પોલીસને દિશાના લેપટોપની સોંપણી કરવામાં આવે જેથી તમામ ડેટા રિકવર કરી આ કેસનું સત્ય બહાર લાવવામાં આવે. આ બંને કેસની તપાસ સંયુક્ત રીતે સીબીઆઈ પાસે કરાવવામાં આવે તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી હતી. અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વિના આ બંને કેસની તપાસ થવી જોઈએ. બિહાર પોલીસને મુંબઈમાં તપાસ જારી રાખવા મંજૂરી આપવાની પણ માંગ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસને બિહાર પોલીસની તપાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરવાનો નિર્દેશ આપવાની પણ માગણી કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતના મોતની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે.