(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૬
અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં આઠ-આઠ દર્દીઓના મૃત્યુ થતા રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામેલ છે. રાજયભરમાં ચકચાર જગાવનાર આ ઘટનાની જાણ રાજયના મુખ્યમંત્રી રૂપાણીને થતા તેમણે તાત્કાલિક તપાસના આદેશો જારી કર્યા હતા. આ સાથે તેમણે મૃતકોના વારસદારોને રૂા.૪ લાખની સહાયની જાહેરાત પણ કરી હતી. કોરોનાની મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ હોસ્પિટલ તરીકે કામગીરી જારી છે. ત્યારે અમદાવાદ શહેરની આવી જ એક ખાનગી કોવિડ હોસ્પિટલ એવી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે અચાનક ભયાનક આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર ઘટનામાં હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલ આઠ દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. રાજયભરમાં ચર્ચા જગાવી દેનાર આ ઘટનાની જાણ થતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસ કરવાના આદેશો જારી કર્યા હતા. આ સાથે તેમણે બનાવની તપાસ માટે રાજયના વરિષ્ઠ આઈએએસ અધિકારી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને શહેર વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુકિત કરી છે. મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતની તપાસ કરી ત્રણ દિવસમાં તેનો અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યે સંવેદના વ્યકત કરી દરેક મૃતકના વારસદારોને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી રૂા. ચાર લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને રૂા.પ૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.