(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા. ૬
શહેરના નવરંગપુરામાં આવેલી કોવિડ-૧૯ના દર્દીઓ માટેની સ્પેશલ ખાનગી હૉસ્પિટલમાં બુધવાર રાત્રે ભીષણ આગળ લાગતાં ૮ દર્દીઓનાં મોત થયા છે. આઈસીયૂ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગની આ કરૂણ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ ટિ્વટ કરીને લખ્યું કે, અમદાવાદની હૉસ્પિટલમાં બનેલી આગની કરૂણ ઘટનાથી દુઃખી છું. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત વહેલી તકે સ્વસ્થ્ય થાય તેની કામના કરું છું. પીએમ મોદીએ ટિ્વટમાં વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાને પીએમ નેશનલ રિલિફ ફંડમાંથી મૃતકોનો પરિવારોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયા સહાય આપવાની પણ જાહેરાત કરી છે. નોંધનીય છે કે, મોડી રાતે આશરે ત્રણ-સાડા ત્રણ વાગે શ્રેય હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયૂ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.