(એજન્સી) તા.૭
વર્તમાન કોરોના મહામારીને કારણે જ્યારે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને મોટા પાયે લોકોએ નોકરીઓ ગુમાવતાં બેરોજગારી ચરમસીમાએ છે ત્યારે ઇપ્સોસ સર્વે દ્વારા એવું બહાર આવ્યું છે કે નોવેલ કોરોના વાયરસ સંક્રમણની ચિંતા બાદ શહેરી ભારતીયો માટે બેરોજગારી એ બીજા નંબરની સૌથી મોટી ચિંતાજનક બાબત છે. સર્વે અનુસાર શહેરી ભારતીયોને જે ટોચના મુદ્દાઓ સતાવી રહ્યાં છે તેમાં પ્રથમ સ્થાને કોવિડ-૧૯ અને બીજા સ્થાને બેરોજગારી છે. શહેરી ભારતીયોને નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર, ગરીબી અને અસમાનતા તેમજ હેલ્થ કેરની બાબત જેવા મુદ્દાઓ સતાવી રહ્યાં છે એવું ઇપ્સોસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. એ જ રીતે શહેરી ભારતીયો જે પ્રકારની ચિંતાજનક બાબતોનો અનુભવ કરી રહ્યાં છે એ રાહે વૈશ્વિક નાગરિકો પણ ચિંતિત છે. જો કે શહેરી ભારતીયોએ કોરોના વાયરસ અને રોજગારોના અભાવ પ્રત્યે પોતાને સૌથી મોટી ચિંતા હોવાનું સર્વેમાં જણાવ્યું હતું. હજુ પણ ભારતમાં કોવિડ-૧૯નો ભય દૂર થયો નથી અને કોવિડ-૧૯ સમાંતર રીતે રોજગારો, જીવનધોરણ, હેલ્થ કેરનો ખર્ચને સમાંતર રીતે પ્રભાવિત કરી રહ્યો છે અને આ ઉપરાંત ભ્રષ્ટાચારનું સ્તર વધુને વધુ ઊંચું જતું જાય છે એવો ડર પણ શહેરી ભારતીયોને સતાવી રહ્યો છે એવું ઇપ્સોસના સીઇઓ અમિત આદર કરે જણાવ્યું હતું. દરમિયાન સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) દ્વારા જણાવાયું છે કે કોવિડ-૧૯ સંકટના કારણે મધ્ય માર્ચમાં કોરોના મહામારીનો આરંભ થયો તે પહેલા બેરોજગારીનો દર ૭ ટકાથી નીચે હતો તે વધીને ૩, મેના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને ૨૭.૧૧ ટકાને આંબી ગયો છે. સીએમઆઇઇના જણાવ્યા પ્રમાણે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર સૌથી વધુ ૨૯.૨૨ ટકા છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ૨૬.૬૯ ટકા છે.