GAVIના કોર્વક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ હેઠળ ૯ર દેશોમાં ૩ ડૉલર પ્રતિ ડોઝના ભાવે રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે
(એજન્સી) તા.૭
સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે, તે ર૦ર૧ સુધીમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશો માટે કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને જીએવીઆઈ વેક્સિન અલાયન્સ તરફથી ૧પ૦ મિલિયન ડૉલરની સહાય મેળવશે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે એક નિવેદનમાં કહ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીઓની કિંમત ૩ ડૉલર પ્રતિડોઝ હશે અને જીએવીઆઈના કોવેક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ હેઠળ ૯ર દેશો માટે આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગેટ્સ ફાઉન્ડેશન આ માટે જીએવીઆઈને ફંડ આપશે જેનો ઉપયોગ સિરમ ઈન્સ્ટિટ્યૂટને મદદ કરવામાં થશે. ઉલ્લેખનીય છે કે, જીએવીઆઈ ગેટ્સ ફાઉન્ડેશનની મદદથી વિશ્વના ગરીબ દેશોમાં રસીકરણનું કાર્યક્રમ ચલાવે છે. જીએવીઆઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યૂએચઓ) સાથે મળીને કોવેક્સ યોજના ચલાવે છે. આ યોજનાનો ઉદ્દેશ વિશ્વભરમાં સમાન અને ઝડપી રીતે કોવિડ-૧૯ની રસી ઉપલબ્ધ કરાવવાનો છે. કોવેક્સ ર૦ર૧ના અંત સુધીમાં કોવિડ-૧૯ની અસરકારક રસીના ર અબજ ડોઝ પૂરા પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, કોવિડ-૧૯ વિરૂદ્ધ અમારી લડાઈને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સિરમ ઈન્સ્ટિટ્યૂટે ભારત અને ઓછી આવક ધરાવતા દેશો માટે ર૦ર૧ સુધી રસીના ૧૦ કરોડ ડોઝ ઉપલબ્ધ બનાવવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી વડે સિરમ ઈન્સ્ટિટ્યૂટ આ ભયાનક બીમારીથી લાખો લોકોના જીવ બચાવવાના પ્રયત્નોને વધુ ઝડપી બનાવશે. ભારત સરકારના બાયો ટેકનોલોજી વિભાગના સચિવ રેણુ સ્વરૂપે કહ્યું હતું કે, અમે સિરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિડ-૧૯નો સામનો કરવા માટે કરેલી વૈશ્વિક ભાગીદારીથી ઘણા ખુશ છીએ. આ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે પણ આ ભાગીદારીની પ્રશંસા કરી હતી.