કાદવના પૂરમાં ૩૦ ઝૂંપડાં તણાયાં, ૧૫
લોકોને બચાવાયા પરંતુ અનેક લોકો હજુ
પણ કાદવમાં ગરકાવ હોવાની શક્યતા
(એજન્સી) ઇડુક્કી, તા. ૭
કેરળના ઇડુક્કી જિલ્લાના રાજમાલામાં ભારે વરસાદ બાદ ભેખડો ધસી પડતાં ૧૭ લોકોનાં મોત થયા છે જ્યારે કાદવમાંથી ૧૫ લોકોને બચાવવામાં પણ આવ્યા હતા. જ્યારે ૬૦ જેટલા લોકો હજુ પણ કાદવમાં દટાયા હોવાની આશંકા છે. કેરળના ઇડુક્કીમાં શુક્રવારે પ્રખ્યાત હિલ સ્ટેશન મુન્નાર નજીક ચાના બગીચાઓના કામદારોની વસ્તી કાદવના ઘોડાપુરમાં તણાઇ ગઇ હતી. કાદવમાં તણાયેલા અન્ય લોકોને શોધવાની કામગીરી આદરાઇ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી પિનરઇ વિજયને પત્રકાર પરિષદ સંબોધી હતી. શુક્રવારે સવારે સાત વાગ્યે જ ભારે વરસાદને પગલે રાજામાલામાં ચાના બગીચાની કંપનીના કામદારોની વસાહત પાસે જ પર્વતોમાંથી ભારે કાદવવાળું પાણી ધસી આવ્યું હતું. ગુરૂવારે રાતથી જ અહીં અતિભારે વરસાદ ચાલુ હોવાથી અહીં રહેતા લોકો ફસાઇ ગયા હતા. અહીં ૩૦ ઝૂંપડાઓમાં રહેતા આશરે ૭૮ લોકો કાદવના પૂરમાં દટાઇ ગયા હતા.
મુખ્યમંત્રી પિનરઇ વિજયને ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા તથા જે લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે તેવી જાહેરાત કરી હતી. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા દેવીકુલમના સબ-કલેક્ટર પ્રેમ ક્રિશ્નએ જણાવ્યું કે, ચોક્કસપણે મોટું ભૂસ્ખલન હતું. ગુરૂવારે રાતે મને માહિતી મળી કે, ૧૦ વાગે એક સામન્ય ભૂસ્ખલન થયું છે પરંતુ જેમ જેમ વરસાદ વધતો ગયો તેમ-તેમ પ્રકોપ પણ વધતો ગયો હતો. છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી દેવીકુલમમાં વિજળીની સમસ્યા સર્જાઇ હતી તેથી લોકોને માહિતી આપવાનો કોઇ સ્ત્રોત ન હતો. આ વિસ્તાર ભૂસ્ખલન માટે પ્રખ્યાત હોવા અંગે પૂછતા તેમણે કહ્યું કે, મુન્નારમાં અન્ય વિસ્તારો કરતા આ વિસ્તાર ભૂસ્ખલન માટે સુરક્ષિત છે. આ લપસણો વિસ્તાર છે પરંતુ ભૂસ્ખલનનો વિસ્તાર નથી. અમે અહીં ક્યારેય ભૂસ્ખલનની ચેતવણી આપી નથી. ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઇ છે તેમ કહી શકાય છે. પોલીસ, ફાયર, સ્થાનિકો સાથે એનડીઆરએફની ટીમો ઇડુક્કી જિલ્લામાં ફસાયેલા લોકોને બચાવવામાં લાગ્યા હતા. જે લોકો સામાન્ય ઘાયલ થયા હતા તેમની સારવાર મુન્નારની ટાટા હોસ્પિટલમાં કરાઇ રહી છે જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને ઇડુક્કી અને એર્નાકુલમમાં મોકલાયા છે. બચાવકાર્યમાં એનડીઆરએફને મદદ કરવા માટે ૫૦ લોકોની એક ખાસ ટુકડીને તૈનાત કરાઇ છે. ભારે વરસાદ અને ઝાંકળને કારણે વિજળી તથા સંચારના સાધનો કામે ન આવતા બચાવકાર્યમાં બાધા આવી રહી છે. દરમિયાન પેરિયાવરાને જોડતો મુખ્ય બ્રિજ તુટી પડવાને કારણે અન્ય શહેરો સાથે વિસ્તારનો સંપર્ક કપાયો છે. સાથે જ કાદવને હટાવવા બચાવ એજન્સીઓ કામે લાગી હતી પરંતુ વધુ વરસાદને પગલે બચાવકાર્ય ધીમું ચાલી રહ્યું છે. નજીકના વિસ્તારોમાં સારી હોસ્પિટલોના અભાવને કારણે રાજ્ય સરકારે ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરોની માગણી કરી છે જેથી ગંભીર રીતે ઘાયલ લોકોને ઇડુક્કી અને એર્નાકુલમની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાઇ શકાય. જોકે, એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, ભારે વરસાદ અને ભેખડો ધસવાનું ચાલુ હોવાને કારણે એરલિફ્ટ કરાવવાનું કામ મુશ્કેલ બની શકે છે અથવા તે શક્ય નથી. સરકારે એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે, કાદવના પૂરમાં દટાયેલાઓમાં મૃત્યુઆંક વધી શકે છે. ગયા વર્ષે કલાવાપ્પરા અને મેપ્પાડીમાં ચોમાસાના વરસાદ દરમિયાન ભેખડો ધસવાને કારણે ૬૦ લોકોનાં મોત થયા હતા.