હિંમતનગર, તા.૮
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં રહેતા કેટલાક શખ્સોએ બાઈક ચોરીના રવાડે ચઢી જતા ગુજરાત અને રાજસ્થાનની પોલીસ માટે તેઓ શિરદર્દ સમાન હતા ત્યારે સવારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે રાજસ્થાન ગેંગના પાંચ શખ્સોને હિંમતનગરમાંથી ઝડપી લીધા હતા અને પૂછપરછને અંતે પકડાયેલા આ શખ્સોએ રાજસ્થાન તથા સાબરકાંઠા અને અરવલ્લીમાંથી અનેક બાઈકોની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી અંદાજે રૂા.૪.૭૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ ગુનાનો ભેદ ઉકેલયો છે. આ અંગે એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમનો સ્ટાફ હિંમતનગરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી કેટલાક શખ્સો બાઈક અને મોપેડની ચોરી કરવા માટે હિંમતનગર આવ્યા છે. જે આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં રહેતા પાંચ શખ્સોને શકને આધારે ઝડપી લીધા હતા અને તેમને અલાયદા સ્થળે રાખીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પકડાયેલા આ પાંચેય શખ્સોએ સાબરકાંઠા, અરવલ્લી તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી અંદાજે ૧૫ જેટલી વાહનચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પકડાયેલા પૈકી એક શખ્સ કમલેશભાઈ કાવાજી ડામોરે સાત વર્ષ અગાઉ બંને રાજ્યમાંથી સાત વાહનચોરીના સંડોવાયેલો હોવાનું જણાયું હતું. પરંતુ તે પોલીસને થાપ આપી છૂપાતો ફરતો હતો બીજી૨ તરફ પકડાયેલા આ શખ્સોએ પૂછપરછ દરમિયાન હિંમતનગર, વડાલી, પ્રાંતિજ, શામળાજી સહિતના અન્ય સ્થળેથી સિફતપૂર્વક વાહન ચોરીને ભાગી જતા હતા. જેથી પોલીસે તેમને સાથે રાખીને જે સ્થળે ચોરાયેલા વાહનો રાખ્યા હતા તે સ્થળે જઈને દસથી વધુ બાઈકો કબજે લીધી હતી. આ ઉપરાંત પોલીસે અંદાજે રૂા.૪.૭૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ માટે જે પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી તે પોલીસ સ્ટેશનોમાં તેમને મોકલવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની ગેંગના આ સભ્યોએ હિંમતનગર એ ડિવિઝન, વડાલી પોલીસ સ્ટેશન, વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશન, અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનના વિસ્તારો ઉપરાંત રાજસ્થાનના ડુંગરપુર તથા ભુપાલપુરા અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી વાહનો ચોર્યા હોવાનું જણાયું હતું.