છોટાઉદેપુર, તા.૮
છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર માસૂમ વંશના પિતાને વળતર સહાય રૂપી ચેક સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તા.૩-૮-૨૦૨૦ના રોજ ઉમરવા વસાહત તાલુકો પાવીજેતપુર ખાતે દીપડા દ્વારા સાંજના ૭ઃ૦૦ કલાકે માસૂમ વંશ ઉંમર વર્ષ ૫ ઉપર દીપડા દ્વારા હિચકારા હુમલો કરવાના બનાવમાં માસૂમ વંશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બાળકનું કરૂણ મોત નિપજવા પામેલ હતું અને સમગ્ર વિસ્તારમાં અરે….રાટી મચી જવા પામેલ હતી પરંતુ વન વિભાગે તાબડતોબ રીતે પાંજરા ગોઠવી અને લોકજાગૃતિ માટે મિટીંગો કરી બેનર્સ લગાવવા જેવી કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને દીપડા વન્ય પ્રાણી દ્વારા લેવાની થતી કાળજી બાબતે લોકોને સમજ આપવામાં આવી રહી છે, આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા નાયબ વન સંરક્ષણ નિલેશભાઈ પંડયાની હાજરીમાં વનવિભાગ દ્વારા સરકારી વળતરની સહાય તરીકે રૂપિયા ૪ લાખનો ચેક વંશના પિતા અશોકભાઈ રાઠવાને ચૂકવવામાં આવેલ છે, જે પ્રસંગે ગામના આગેવાનો સહિત મદદનીશ વન સંરક્ષક કે એમ બારીયા તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહ સોલંકી હાજર રહ્યા હતા.