(એજન્સી) તા.૮
કોરોના વાયરસ સામે મજબૂત મનોબળથી લડત આપ્યા પછી આયશા તિરમીઝી સાજા થઈ ગયાં હતાં. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ ગુરૂવારે વહેલી સવારે હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગમાં તેમનું મૃત્યુ થયો હતો. આયશા તિરમીઝીનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૬૮માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં થયું હતું. મુંબઈની સોફિયા કોલેજમાંથી આર્ટસમાં ગ્રેજ્યુએટ થયા પછી તેમણે પરિવાર માટે જીવન સમર્પિત કરી દીધું હતું. તે તેમના પરિવારની સંપૂર્ણ કાળજી રાખતાં હતાં. મોટા ભાગના લોકો આયશા તિરમીઝીને ગુજરાત હાઈકોર્ટના વકીલ અને માનવાધિકાર કર્મશીલ મોહમ્મદ સુહેલ તિરમીઝીના પત્ની તરીકે ઓળખે છે. તેમનો ર૭ વર્ષીય પુત્ર આસીમ મુંબઈમાં વકીલ તરીકે પ્રેકિટસ કરે છે. માનવાધિકાર કર્મશીલ અને પત્રકાર તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે, આયશા તિરમીઝીના નિધનની સાથે અમે એક દીપસ્તંભ ગુમાવી દીધો. જે બધા માનવાધિકાર કાર્યકરો અને ગુજરાતના રમખાણ પીડિતો માટેની હિંમત હતાં તેમના પતિ સુહેલ તિરમીઝીએ અમને બધા કાયદાકીય કેસોમાં સતત માર્ગદર્શન આપ્યું હતું. અમને આયશા તિરમીઝીના સમર્થનથી હિંમત મળતી હતી. સેતલવાડે એમ પણ કહ્યું કે, કેટલીકવાર એવું બને છે કે આપણે આપણા દુઃખને વ્યકત કરી શકતા નથી. કોવિડ-૧૯ સામે લડત આપ્યા પછી પણ આયશા તિરમીઝી ખુશમિજાજ હતાં. તે આઈસીયુમાંથી બહાર આવવા માટે ખૂબ જ ઉત્સુક હતાં. આ દુર્ઘટના ન થવી જોઈતી હતી. આવી દુર્ઘટનાઓ કેટલાયના જીવનનો હર્યોભર્યો માળો વિખેરી નાંખે છે.