‘ધ કોએલિશન ટુ સ્ટોપ જેનોસાઇડ ઇન ઇન્ડિયા’ના બેનર હેઠળ એકત્ર થયેલા લોકોએ બાબરી મસ્જિદ શહીદીને એ જ સ્થળ પર બની રહેલ મંદિરને લઇને આયોજિત ભવ્ય સમારોહ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
(એજન્સી) તા.૮
ભારતીય અમેરિકનો અને અમેરિકા સ્થિત સિવિલ રાઇટ્સની સંસ્થાઓ અને કર્મશીલોનું બનેલું એક વ્યાપક સંગઠન ‘ધ કોએલિશન ટુ સ્ટોપ જેનોસાઇડ ઇન ઇન્ડિયા’ દ્વારા ૬, ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતમાં બાબરી મસ્જિદની શહીદીની ઉજવણીનો વિરોધ કરવા માટે એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનું આયોજન હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનોના અગ્રણી એવા સંગઠન અમેરિકન ઇન્ડિયા પબ્લિક અફેર્સ કમિટી (એઆઇપીએસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કોએલિશન ટુ સ્ટોપ જેનોસાઇડ ઇન ઇન્ડિયાના બેનર હેઠળ માટે એકત્ર થયેલા લોકોએ બાબરી મસ્જિદને શહીદ કરીને તે સ્થળ પર જ બની રહેલા મંદિરને લઇને આયોજિત ભવ્ય સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ લોકોએે દેખાવો દરમિયાન હાથમાં એવા કેટલાય બેનર્સ રાખ્યાં હતાં જેમાં નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન ભારતમાં માનવ અધિકાર હનન અને ઇજીજીની લઘુમતી વિરોધી નીતિઓ અંગેના સૂત્રો લખેલા હતાં. દેખાવોમાં સામેલ ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલના મહામંત્રી જાવેદ મોહંમદે જણાવ્યું હતું કે એ વાતમાં કોઇ શંકા નથી કે હિંદુ ધર્મના રામ એક પૂજનીય વ્યક્તિત્વ છે અને બહુલતાવાદ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા આપણને તમામ ધર્મોનો આદર કરવાનું શીખવે છે પરંતુ રામ પ્રત્યે લોકોની શ્રદ્ધાને નફરતથી ભરેલા એજન્ડા તરફ વાળી દેવામાં આવી છે અને તેનું ઝેર માત્ર ભારતમાં જ નહીં બલ્કે અમેરિકામાં પણ ફેલાવવામાં આવી રહ્યું છે. હિંદુઝ ફોર હ્યુમન રાઇટ્ના અધ્યક્ષ સુનિતી વિશ્વનાથને જણાવ્યું છે કે અમે રામાયણમાં વાચ્યું છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો પરંતુ અમારા ધર્મગ્રંથોમાં એવું ક્યાંય લખ્યું નથી કે અયોધ્યામાં કઇ જગ્યાએ તેમનો જન્મ થયો હતો. વાસ્તવિકતા એ છે કે ભારતની હિંદુત્વવાદી તાકાત વિધ્વંસાત્મક અભ્યાસમાં ભારતીય સમાજનું ધ્રુવીકરણ કરી રહી છે જેના પરિણામો માનવજાત ભોગવી રહી છે. આમ ટાઇમ્સ સ્ક્વેર ખાતે નફરત અને કટ્ટરવાદની ઉજવણીના વિરોધમાં જંગી દેખાવો કરવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં આ દેખાવોનું કારણ એ હતું કે આરએસએસ સમર્થક અમેરિકન સંગઠનો દ્વારા આ જ ટાઇમ સ્ક્વેર પર રામ મંદિર ભૂમિ પૂજનની તરફેણમાં દેખાવો કરવામાં આવ્યાં હતા. ટાઇમ્સ સ્ક્વેર પર અમેરિકન ઇન્ડિયન પબ્લિક અફેર્સ કમિટી અને કેટલાક હિંદુત્વવાદી સંગઠનોએ જય શ્રીરામના નારા લગાવ્યાં હતા. ટાઇમ્સ સ્ક્વેર પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે એ જોવું દુઃખદ છે કે કઇ રીતે માનવીય મૂલ્યો પ્રત્યે કેટલાક લોકો નફરત દાખવી રહ્યાં છે. ધાર્મિક સ્થળને નફરતના સ્થળમાં તબદિલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.