National

કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાનનું બ્લેકબોક્ષ મળ્યું રનવેથી એક કિલોમીટર પહેલાં જ વિમાન લેન્ડ થઇ ગયું !!!

 

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૮ પર પહોંચ્યો જ્યારે ૧૨૭ ઘાયલો સારવાર માટે હોસ્પિટલોમાં, ભારે વરસાદને કારણે ટેબલટોપ રનવે શરૂ થતાં પહેલાં એક કિલોમીટર અગાઉ જ વિમાન લેન્ડ થયું હોવાનું પ્રાથમિક તારણ
બ્લેકબોક્ષ મળી આવતાં અંતિમ ઘડીએ વિમાનનું સંચાલન, સ્પીડ, બ્રેકિંગ અને બાકીની
બાબતો યોગ્ય હતી કે નહીં તેનો ખુલાસો થશે, બંને પાયલટો વચ્ચે છેલ્લી ઘડીએ શું વાત થઇ તે પણ જાણી શકાશે, બ્લેકબોક્ષને વધુ તપાસ માટે દિલ્હી મોકલાયું

(એજન્સી) કોઝિકોડ, તા. ૮
શુક્રવારે મોડી સાંજે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન ટેબલટોપ એરપોર્ટના રનવેથી એક કિલોમીટર દૂર જ લેન્ડ થઇ ગયું હતું તેમ વિમાન સંચાલક ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મત્રી હરદીપસિંહ પુરીએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત સમયે જણાવ્યું કે, વિમાનમાં કોઇપણ અન્યત્ર સ્થળે લેન્ડિંગનો પ્રયાસ કરવા માટે પૂરતુું ઇંધણ હતું. દુબઇથી ૧૮૪ યાત્રીઓ અને ક્રૂ સભ્યોને લઇ આવેલી ફ્લાઇટ ૈંઠ-૧૩૪૪ શુક્રવારે મોડી સાંજે ૭.૪૧ વાગે લેન્ડિંગ સમયે ભારે વરસાદને કારણે લપસી ગઇ હતી અને ઊંચાઇવાળા રનવેથી નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી જેના કારણે વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. શનિવારે સવારે ફ્લાઇટનું બ્લેક બોક્ષ મળી આવ્યું હતું. દુર્ઘટનામાં બંને પાઇલટ સહિત કુલ ૧૮ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૨૭ લોકો ઘાયલ થયા છે. એરપોર્ટ ઊંચાઇવાળા સ્થળે બનાવાયું છે અને રનવે માટે મર્યાદિત જગ્યા છે. કોઝિકોડનું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો માટે જાણીતું છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું છે જેમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર(ડીએફડીઆર) અને કોકપિટ વોઇસ રેકોર્ડરના સેંકડો પોઇન્ટ રેકોર્ડ હોય છે. આમાં એવી પણ માહિતી મળી જશે કે, વિમાનનું સંચાલન, સ્પીડ, બ્રેકિંગ અને બાકીની બાબતો યોગ્ય હતી કે નહીં ઉપરાંત બે પાયલટો વચ્ચેની વાતચીતનો પણ રેકોર્ડ હશે. બ્લેકબોક્ષને વધુ માહિતી મેળવવા માટે દિલ્હી મોકલી દેવાયું છે જેનાથી દુર્ઘટના સમયે વિમાનમાં શું થયું હતું તેની વિગતો બહાર આવશે.
૨. સ્વીડનની ફ્લાઇટ ટ્રેકર વેબસાઇટે જણાવ્યું છે કે, એર ઇન્ડિયાના વિમાને બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ડીજીસીએના અધિકારીએ જણાવ્યું છે કે, ચોક્કસ રનવે પર લેન્ડિંગ સમયે વિરૂદ્ધ દિશામાંથી પ્રયાસ કરતા પહેલા પાઇલટને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વિમાન લપસ્યું હતું અને દિશા ભટકી ગયું અને તૂટી પડ્યું.
૩. શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લેનારા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે, વિમાનને કોઇપણ અન્ય વૈકલ્પિક સ્થળે લેન્ડ કરવાના પ્રયાસ માટે પૂરતું ઇંધણ હતું. પુરીએ જ્યાં સુધી તપાસ પુરી ના થાય ત્યાં સુધી શાંતિ જાળવવા અપીલ કરી હતી સાથે જ મૃત્યુ પામેલાના પરિવારજનો, ઘાયલો તથા સામાન્ય રીતે ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરી હતી. બીજી બાજુ કેરળ સરકાર દ્વારા પણ વળતરની જાહેરાત કરાઇ છે.
૪. કોરોના વાયરસ લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન અંતર્ગત આ ફ્લાઇટ સંચાલિત હતી. વિમાનમાં ૧૦ નવજાત બાળકો સહિત ૧૮૪ યાત્રીઓ અને બાકીના ક્રૂ સભ્યો સાથે કુલ ૧૯૧ લોકો હતા. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને કહ્યું કે, ઇજાગ્રસ્તોને ૧૩ જુદી-જુદી હોસ્પિટલોમાંસારવાર અપાઇ રહી છે.
૫. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર બનેલું ટેબલટોપ રનવે પર અસર થઇ હતી. આ રનવેને પહેલા પણ ચેતવણી અપાઇ હતી. નિષ્ણઁાતોના રિપોર્ટમાં નવ વર્ષ પહેલા કહેવાયું હતું કે, રનવે ઘણો જ ઢાળવાળો છે અને સુરક્ષિત વિસ્તાર નથી. તેમણે ચેતવણી આપી હતી અને પુરાવા પણ આપ્યા હતા.
૬. ટેબલટોપ રનવે એક ઊંચા ટેકરા અથવા પર્વત પર બનેલો હોય છે. જેની બંને બાજુ ટેકરો પુરો થતા ઊંડી ખીણ હોય છે. આવા એરપોર્ટ પર આજના પાઇલટો માટે લેન્ડિંગ પડકારજનક હોય છે. એર ઇન્ડિયાના આ વિમાનની લેન્ડિંગ સમયે રનવે લપસણું બની ગયું હતું જે વધુ પડકારજનક થઇ ગયું.
૭. જોકે, મંત્રી વી મુરલીધરને રનવેની સુરક્ષાના સવાલ અંગે જણાવ્યું કે, વંદે ભારત મિશન અંતર્ગત જ આ રનવે પર છેલ્લા ત્રણ મહિનામાં જ અનેક ફ્લાઇટો લેન્ડ કરાઇ છે.
૮. વિમાન ક્રેશમાં મૃત્યુ પામનારા બંને પાઇલટોમાં વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે અને કેપ્ટન અખિલેશ કુમારનો સમાવેશ થાય છે. સાઠે એરફોર્સના વિમાન પણ ઉડાવી ચૂક્યા છે અને કો-પાઇટલ અખિલેશ કુમારના ગયા વર્ષે જ લગ્ન થયા હતા.
૯. વિમાનમાં આગ ન લાગી હોવાને કારણે ભયંકર દુર્ઘટના ટળી હતી. ભારે વરસાદ વચ્ચે બચાવ દળ, પોલીસકર્મીઓએ લોકોને કાટમાળ અને કચરામાંથી બહાર કાઢ્યા હતા. કેટલાક લોકો તો સીટમાં જ ફસાઇ ગયા હતા. એક યાત્રીએ જણાવ્યું કે, બધા જ બૂમો પાડી રહ્યા હતા અને રડતા હતા.
૧૦. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી ઘાયલો માટે પ્રાર્થના કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.