અમદાવાદ,તા.૮
શહેરમાં છાશવારે વાહનચોરી ઘરફોડ ચોરી અને ખાસ મોબાઈલ ચોરીની ફરિયાદો સામાન્ય બની ગઈ છે. ત્યારે ઘણીવાર પોલીસ ક્રાઈમના રેશિયો નીચો દેખાડવા ફરિયાદ નોંધતી નથી, તેમજ બદલા બનાવટી હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક પોલીસ કર્મીની બાઈક પોલીસ સ્ટેશન સામેથી ચોરી થઈ છે એટલે કે ચોરે પણ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકયો હોય તેમ પોલીસ સ્ટેશન સામેથી જ પોલીસકર્મીની બાઈક ચોરી કરી છે. તો સામે જુલાઈ માસમાં થયેલ બાઈક ચોરીની ફરિયાદ ઓગસ્ટ મહિનામાં નોંધાઈ છે. એટલે પોલીસે આબરૂ બચાવવા આવું કર્યું છે કેમ ? તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.
વિગતવાર વાત કરીએ તો ધોળકા ખાતે રહેતા મનહરકુમાર પરમાર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમની પાસે તેમનું સપ્લેન્ડર બાઈક છે. ગત ર૮મી જુલાઈએ રાત્રે તેઓ ધોળકાથી આવ્યા અને બાઈક પોલીસ સ્ટેશન સામે મૂકી ડયુટીએ ચઢયા હતા. રાત્રે બાઈક મૂકીને ફરજ નિભાવી અને સવારે શિફટ પુરી થતા તેઓ ઘરે જવા નીકળ્યા ત્યારે તેમનું બાઈક ત્યાં ન હતું. બાઈક શોધવા અનેક પ્રયાસો કર્યા પણ બાઈક મળ્યું ન હતું. જો કે અનેક દિવસો સુધી બાઈક ન મળતા આખરે તેમણે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે. વાહન ચોરીના કેસમાં અનેક એવા કિસ્સા સામે આવે છે જેમાં પોલીસ ભોગ બનનારને જાતે શોધવાનું કહી છટકબારી શોધે છે. આ કિસ્સામાં પણ આવું જ થયું કે શું તે પણ સવાલ ઉપસ્થિત થાય છે જો કે પોલીસ સ્ટેશનની સામેથી જ તસ્કરો હાથ સાફ કરી જતા પોલીસની અકડ તસ્કરોએ ભાંગી નાખી હોવાનું કહેવું પણ કઈ ખોટું નથી. આ કિસ્સાથી પોલીસની શાખ પર સવાલ આવતા હવે કોન્સ્ટેબલનું બાઈક સ્થાનિક પોલીસ શોધી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. જો કે પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે ફરિયાદી પોલીસકર્મી વાહન પોતાની જાતે શોધતા હતા. પરંતુ વાહન ન મળતા તેમણે મોડે ફરિયાદ કરી છે. આમ ફરિયાદમાં આવો ઉલ્લેખ કરાવી ખુદ પોલીસે પોતાનો બચાવ કર્યો છે.