અમદાવાદ, તા.૮
કેન્દ્ર સરકાર દ્વારા ખાલી જગ્યાઓ પર ભરતી રોકી નાણા બચાવી ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ અપનાવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે રૂા.૧૬૦૦ કરોડની બચત કરવા માટે ર૭ હજાર ભારતીય સેનાના જવાનો ઘટાડવામાં આવી રહ્યા છે. જ્યારે મિલેટ્રી એન્જિનિયરીંગ સર્વિસિસની ૯૩૦૦ જગ્યાને પણ કોરોનાના સમયમાં ખતમ કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ યુથ કોંગ્રેસે કર્યો છે.
ક્રાંતિદિન તથા યુવા કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે દેશના યુવાનોને રોજગારીનો હક અપાવવા ‘રોજગાર દો’ના નારા સાથે અભિયાન શરૂ કરશે. આજરોજ પ્રદેશ યુવા કોંગ્રેસના સીતારામ લાંબા અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં બેરોજગારી દર ૮.૪૪ ટકાએ પહોંચી ગયો છે. જેમાં શહેરી બેરોજગારી દર વધી ૧૦.૮પ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭.૩ર ટકા છે. સમગ્ર દેશમાં ૩૩ ટકા સ્કીલ્ડ લેબર બેરોજગાર છે જેમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યા પણ કરોડોમાં છે.
ભાજપની સરકારમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં યુવાનોને રોજગાર આપવામાં સરકાર નિરસ અને નિષ્ફળ છે. આંકડા પ્રમાણે કેન્દ્ર સરકારમાં ૭ લાખથી વધુ, સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગાર આપતી રેલવેમાં ર.પ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. કેન્દ્રીય સરકારી વિભાગોમાં લગભગ ગ્રુપ-એમાં ર૦,૦૦૦, ગ્રુપ-બીમા ૯૦,૦૦૦ અને ગ્રુપ-સીમાં ૬,૦૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે. યુ.પી.એસ.સી. દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ, રેલવે, બેંકો જેવી સરકારી પદોની સંખ્યા ઘટાડી ભરતીઓ ઓછી કરવામાં આવે છે. કોરોનાની મહામારીમાં ત્રણ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે કેન્દ્ર સરકારની કમજોર અને ખોટી આર્થિક નીતિઓને કારણે બેરોજગારીનો આંકડો દસ કરોડ સુધી પહોંચી શકે તેમ છે.
ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેથી રોજગાર સૌથી અગત્યની જરૂરિયાત છે માટે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રભારી ક્રિષ્ના અલાવરૂ અને ભારતીય યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીની આગેવાની હેઠળ ૯ ઓગસ્ટથી દેશભરના યુવાનો માટે ‘રોજગાર દો’ અભિયાન શરૂ કરશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના મહત્ત્વના પ્રશ્નો માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી ‘રોજગાર દો’ના નારાને બુલંદ કરશે.
પાર્થીવરાજસિંહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરેલ હોવા છતાં પણ ૩૮,૪૦ર સરકારી જગ્યામાં ક્યાંક નિમણૂક પત્ર આપવાનો બાકી હોય, ક્યાંક પરિણામ જાહેર કરવાનું બાકી હોય, ક્યાંક ફોર્મ ભરાઈ ગયા હોય પણ પરીક્ષા લેવાની બાકી હોય, તેવી જગ્યાઓમાં પણ યુવાનોને રોજગારી આપીને ન્યાય આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવતું નથી. આગામી પેટા ચૂંટણીમાં યુવા કોંગ્રેસની જવાબદારી બુથ લેવલે પક્ષને મજબૂત કરવાની રહેશે. તેમ જણાવી કોંગ્રેસના ગદ્દારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની હાકલ કરવામાં આવી હતી.