છોટાઉદેપુર, તા.૯
છોટાઉદેપુર રાજ્યમાં પૂર્વપટ્ટીના અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં વસતા રાજ્યના આદિવાસી સમાજના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર ખૂબ ચિંતિત છે એમ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં આયોજિત વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કુરબાની આપનાર આદિવાસી વીરોનું સ્મરણ કરી તેમને શબ્દાંજલિ અર્પણ કરી હતી. વધુમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના બાળકો શિક્ષણ મેળવી શકે એ માટે અદ્યતન સુવિધાસભર શાળા અને હોસ્ટેલો સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓ, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર, મંજૂરી હુકમો, સાધનસહાય, વન અધિકાર અધિનિયમ અન્વયે મંજૂર થયેલ જમીનના અધિકાર પત્રો તેમજ વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નવનિર્મિત શાળાઓનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના કેસરપુરા તા.નસવાડી અને વડાતળાવ, ભીખાપુરા તા.બોડેલી ખાતે નવી બનાવવામાં આવનાર શાળાઓનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.