હિંમતનગર તા.૯
સાબરકાંઠાનાં ખેડબ્રહ્માના નવીમેત્રાલ આર્ડેક્તા કોલેજ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના સંગ્રામમાં બલિદાન આપનાર આદિવાસી સપૂતોને યાદ કરી શ્રધ્ધાજંલિ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. તેના આભૂષણ-વેશભૂષા અને રીત રિવાજો તેમની સંસ્કૃતિની ઓળખ આપે છે. તેમણે ઉમેર્યુ હતું કે, વિશ્વના તમામ દેશોમાં ૭૦૨ આદિવાસીઓની જાતિઓ નિવાસ કરે છે. જેમાં ભારતમાં તેમની વસતીનું પ્રમાણ ૧૪ ટકાથી પણ વધારે છે. સમગ્ર ગુજરાતની પૂર્વ પટ્ટી અંબાજી થી ઉમરગામ સુધી રાજ્યમાં ૮૪ લાખથી વધુ આદિવાસી લોકો વસવાટ કરે છે. તેમના ભવ્ય ઇતિહાસના વારસાને ઉજાગર કરવાનું કામ રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે સાબરકાંઠા જિલ્લાની વાત કરતા ઉમેર્યેુ હતુ કે, વિજયનગરનું કોડિયાવાડા ગામ જેણે સૈનિકોના ગામ તરીકે ઓળખ ઉભી કરી છે. તો વિજયનગરનું પાલ-દઢવાવ ગામ અંગ્રેજો સામેના સંગ્રામની સાક્ષી પૂરે છે. આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને જળ-જમીન અને જંગલના માલિકને તેમના હકક આપ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતું કે, બહુધા આદિવાસી તાલુકાઓમાં પણ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થાય તે જરૂરી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનાના આદિવાસી લોકોને વનઅધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેજસ્વી તારલાઓ, રમતવીરો, કૃષિ, પશુપાલન અને સમાજક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર લોકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે કોલેજના પંટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા સી.જે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલ, અગ્રણી અશોક જોષી, ભોજાભાઇ મકવાણા, આર.ડી.પટેલ સહિત આ વિસ્તારના આદિજાતિ લોકો ઉપસ્થિત રહ્યા હતા.