આરોગ્ય પ્રધાન એવો દાવો કરી રહ્યા છે કે ભારતે હવે મહામારી પર નિયંત્રણ મેળવી લીધું છે, પરંતુ તેમનો આ દાવો માનવા કોઇ તૈયાર નથી. માર્ચ બાદ ભારત જ એક માત્ર એવો દેશ છે કે જ્યાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને કોઇ પણ ઘટાડો થયો નથી
(એજન્સી) તા.૧૦
વડા પ્રધાન મોદીને કોવિડ સામે મહાભારતના યુદ્ધમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં આ સપ્તાહે અમેરિકા સહિત અન્ય કોઇ પણ રાષ્ટ્ર કરતાં ૩ લાખ જેટલા વધુ કેસ નોંધાયાં છે. આપણે ત્યાં દરરોજના લગભગ ૬૦,૦૦૦ કરતાં વધુ નવા કેસ આવે છે અને હવે આ આંકડો ૧ લાખનો થતાં કોઇ અટકાવી શકે તેમ નથી. ભારત એક માત્ર એવું રાષ્ટ્ર છે કે જ્યાં કોરોનાના કેસોમાં સાતત્યપૂર્ણ વધારો થઇ રહ્યો છે. માર્ચથી લઇને આજ સુધીનો આપણો ગ્રાફ સીધો દેખાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં જેમ કે યુરોપમાં માર્ચમાં સૌથી વધુ કેસો હતાં પરંતુ ત્યાર બાદ ઇટાલી, સ્પેન, યુકે અને અન્ય દેશોમાં ઘટવા લાગ્યાં હતા. બાંગ્લાદેશમાં જૂનમાં કેસો સર્વાધિક સ્તરે હતાં અને ત્યારથી તેમાં ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં કોરોના સામેની લડતને મહાભારત ગણાવીને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે ૨૧ દિવસમાં આ યુદ્ધ જીતી જઇશું. લોકડાઉન બાદ આ લડાઇ પૂરી થશે એવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ દાવો ખોટો પુરવાર થયો છે.
વાસ્તવમાં લોકડાઉનના ગેરવહીવટની ભારતે કિંમત ચૂકવવી પડી છે અને હજુ પણ ચાર મહિના બાદ પણ આપણે કિંમત ચૂકવી રહ્યાં છીએ. આરોગ્ય પ્રધાન એવો દાવો કરી રહ્યાં છે કે ભારતે હવે મહામારી પર નિયંત્રણ મેળવી લીધું છે પરંતુ તેમનો આ દાવો માનવા કોઇ તૈયાર નથી. માર્ચ બાદ ભારત જ એક માત્ર એવો દેશ છે કે જ્યાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને કોઇ પણ ઘટાડો થયો નથી.
આમ મોદીએ માર્ચમાં જે મહાભારતનું યુદ્ધ છેડ્યું હતું તેમાં તેમનો પરાજય થયો છે અને આ માટે મોદીએ સ્વયંને જ દોષ આપવો પડે એવી સ્થિતિ છે. પાકિસ્તાન જેવા દેશમાં પણ જૂનથી કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવે દિવસના ૧૦૦૦થી ઓછા કેસ આવે છે. શ્રીલંકાએ તો કોરોના મહામારી પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હોય એવી સ્થિતિ છે અને હવે અત્યારે તો ત્યાં માત્ર ૩૦૦ જ એક્ટીવ કેસ છે અને માર્ચથી અત્યાર સુધીમાં શ્રીલંકાનો મૃત્યુંઆક માત્ર ૧૧ છે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)