સંવાદદાતા દ્વારા)
જંબુસર, તા.૧૪
જંબુસર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે. હજુ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને ઠેર-ઠેર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે જંબુસરની કપાસિયા પૂરા વિસ્તારમાં આવેલ ગોપાલભાઈ જયંતીભાઈ ભાવસાર તથા ભાવનાબેન જમનાદાસ ભાવસારના મકાનો અવિરત વરસાદને કારણે ધરાશાયી થઈ ગયા હતા. મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. બનાવની જાણ જંબુસર નગરપાલિકાને થતાં ધરાશયી થયેલ મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ જંબુસરના સોસાયટી વિસ્તાર વરસી પાણી ભરાઈ જતાં ઘણી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળેલ હતી. શેખજી પાર્ક ગજશહિ દરગાહ મિલ્લતનગર ચાદપીર સોસાયટીના રહીશોના મકાનમાં પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જંબુસર નગરપાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીની પોલ જોવા મળી હતી. હાલ જંબુસર શહેરમાં કાંસના કામ પણ અધૂરા જોવા મળ્યા છે. આશરે બે ઈંચ જેટલો વરસાદ પડતાં તાલુકાના રામપુર અને માંગણાદ ગામે વરસાદી પાણી ભરાતાં માંગણાદ ગામે નાવડી ફરતી જોવા મળતી હતી તથા રામપુર ગામે મુંગા પશુઓ પાણીમાં નજરે પડે છે નજીકમાં આવેલી ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગામની અંદર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. હજુ પણ વરસાદને પગલે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ વધે તેમ છે. જંબુસર તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૪૨૪ મી.મી. તથા છેલ્લા ત્રણ દિવસમાં ૧૧૬ મી.મી. જ્યારે આજે બાર કલાક સુધીમાં ૩૩ મી.મી. નોંધાવા પામ્યો છે.