(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૪
માંગરોળ બંદર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વો દિવસે- દિવસે બેફામ થતાં જાય છે. માંગરોળ બંદર પર વેપાર ધંધાને લઈને હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલા છે. ત્યારે આ બંને સમુદાયના લોકો વચ્ચે દરાર પેદા કરવા અવાર-નવાર લઘુમતી સમુદાયના લોકોને નિશાન બનાવી શહેરમાં તનાવ પેદા કરવાના હિન પ્રયાસો કરતા રહે છે. અનેક ફરિયાદો થવા છતાં પોલીસની રહેમનજર હેઠળ લુખ્ખા તત્ત્વો દ્વારા કાકરીચાળો અને હુમલોઓનો દોર યથાવત્ રહ્યો છે. ગુરૂવારે વહેલી સવારે બંદર પર વાહીદશાહ કબ્રસ્તાનમા ફાતિહા પઢવા જઈ રહેલા વયોવૃદ્ધ વ્યક્તિ પર પાછળથી લુખ્ખા તત્ત્વોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત એવી છે કે, માંગરોળ બંદર પર ઘાંચી મુસ્લિમ સમાજના વાહીદશાહ કબ્રસ્તાનમાં વહેલી સવારે ૬૫ વર્ષીય ઈસ્માઈલભાઈ કાલવાત ફાતિહા પઢવા પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે બંદરેથી બળ તરફ જતાં રસ્તા પર મંદિર નજીક પાછળથી એક બાઈક પર બે ખારવા યુવાનો ઘસી આવી ચાલુ બાઈક પરથી જોરથી ચંબો મારી પછાડી દીધેલ. ફરી તેમની પર વાર કરે ત્યાં નસીબજોગે એક રાહદારી આવી જતાં હુમલાખોરો ભાગી છૂટેલા અને વયોવૃદ્ધ વ્યક્તિનો બચાવ થયો હતો. રાહદારીએ હુમલો કરનારા અસામાજિક તત્ત્વોની બાઈક નંબર નોંધી લીધો છે. ભોગ બનનાર વૃદ્ધે બાઈક નંબર સાથે બંદરના બે લુખ્ખા તત્ત્વો વિરૂદ્ધ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કબ્રસ્તાનની અંદર ઘૂસી તોડફોડ અને આગજની કરવી, લઘુમતી સમુદાયના લોકો સાથે ગમે ત્યારે દાદાગીરી અને મારપીટ જેવા કૃત્યો કરી બે સમુદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના બદ ઈરાદા સાથે નઠારા તત્ત્વો અવાર-નવાર ટીખળો કરતા રહે છે. ત્યારે મરીન પોલીસની ઢીલી કામગીરીથી આવા લુખ્ખાઓને છૂટ્ટો દોર મળી જાય છે.