Site icon Gujarat Today

વિશ્વામિત્રી અને આજવા ડેમની સપાટી અનુક્રમે ૧૮ અને ર૧૧.ર૦ ફૂટ પર વડોદરામાં ચાર ઈંચથી વધુ વરસાદ : રાજીવનગરની ઝૂંપડપટ્ટીમાં પાણી ફરી વળતાં૩૦૦ પરિવારો પ્રભાવિત

ઘરોમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ઘરવખરી ગરક, ભયને પગલે લોકોના ઉજાગરા : ભાજપના કાઉન્સિલરો સામે ભભૂકેલો રોષ

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૪
છેલ્લા ર૪ કલાક દરમ્યાન ૪ ઈંચથી વધુ વરસાદને પગલે વડોદરા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓ પાણીમાં ગરક થઈ ગઈ છે. વડોદરાના ગોરવા વિસ્તારના રાજીવનગરમાં કેડ સમા પાણી ભરાઈ જતા ૩૦૦ જેટલા પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. રાજીવનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર શહેરના મેયર જિગીષાબેન શેઠના વોર્ડ નં.૧૦માં આવતો વિસ્તાર છે. લોકો કપરી પરિસ્થિતિમાં હોવા છતાં પણ તેઓ રાજીવનગરમાં ફરક્યા નહોતા. વડોદરા શહેરના ગોરવા-કરોડિયા રોડ ઉપર આવેલી રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જતાં ૩૦૦ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ઝૂંપડાઓમાં ર ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘરવખરી સામાનને ભારે નુકસાન થયું છે. ગુરૂવારની આખી રાત પડેલા વરસાદને પગલે રાજીવનગરના ઝૂંપડાવાસીઓને ઉઘાડી આંખે રાત પસાર કરવાનો વખત આવ્યો હતો. નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને ભયના ઓથાર નીચે રાત પસાર કરવાનો વખત આવ્યો હતો. રાજીવનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના સામાજિક કાર્યકર સેજલ વ્યાસે પાલિકા સામે રોષ ઠાલવતા જણાવ્યું કે મેયર ડો.જીજિષાબેન શેઠ, કાઉન્સિલરો ધર્મેશ પંચાલ, અજીત પટેલના વોર્ડ નં.૧૦માં આવતી આ રાજીવનગર ઝૂંપડપટ્ટી છે. ભાજપના કાઉન્સિલરો ચૂંટણીમાં ખોબેખોબા મતો લઈ ગયા છે. પરંતુ કમર સુધીના પાણીમાં રાખી રાત પસાર કરનાર રાજીવનગર ઝૂંપડપટ્ટીના રહીશો કેવી સ્થિતિમાં છે. તે જોવા માટે આવ્યા નથી. જ્યારે બીજી બાજુ આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ ૧૮ ફૂટે પહોંચી છે અને વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા ડેમની સપાટી ર૧૧.ર૦ ફૂટે પહોંચી છે. જેને પગલે વડોદરા શહેરને પીવાના પાણીની ચિંતા ટળી ગઈ છે.
આજવા ડેમમાં ધનસર, હાલોલ, ગોપીપુરા, મદાર અને રૂપાપુરા સહિત ૮ જેટલા ગામોનું વરસાદનું પાણી આવે છે. હાલ વરસાદ બંધ છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ આજવા સરોવરના દરવાજા ર૧૧ ફૂટે સ્થિર કરવામાં આવ્યા છે અને હાલ આજવા સરોવરની સપાટી ર૧૧.ર૦ ફૂટ છે. જ્યારે પ્રતાપ સરોવરની સપાટી રર૬.ર૦ ફૂટ છે. પ્રતાપ સરોવરનું પાણી આજવા સરોવરમાં આવે તેવી વ્યવસ્થા છે અને આજવા સરોવરનું પાણી વડોદરા શહેરમાં પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવે છે. વિશ્વામિત્રી નદીમાં વધી રહેલું જળસ્તર કિનારાની આસપાસમાં આવેલા ઝૂંપડાવાસીઓ, સોસાયટીઓ અને બંગલોઝમાં રહેતા માટે ચિંતાનું કારણ બન્યા છે. વિશ્વામિત્રી સર્જાયેલ સંભવતઃ પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

Exit mobile version